Placeholder canvas

લગ્ન પ્રસંગેથી પરત ફરતા ભાઈ-બહેન પર ટ્રેક્ટર ફરી વળ્યું, ભાઈ સામે બહેનનું મોત

હળવદ: હળવદના સુસવાવ પાટીયા પાસે લગ્ન પ્રસંગેથી મોટર સાઇકલ પર ત્રિપલ સવારીમાં પરત ફરતા ભાઈ-બહેનને રોંગ સાઈડમાં આવતા ટ્રેક્ટરે હડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. ટ્રેક્ટર મોટરસાયકલ ઉપર ચડી ગયું હતું. જેને પગલે એક યુવતીનું મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય ભાઈ-બહેન ગંભીર રીતે ઘાયલ થયા હતા.

મોરબીના જેતપર ગામે રહેતા પાયલબેન રાજેશભાઈ હમીરપરાએ આરોપી ટ્રેક્ટર ચાલક જીજે ૧૩ સી એ ૯૮૫૬ વિરુદ્ધ હળવદ પોલીસે ફરિયાદ નોંધાવી છે કે તારીખ ૦૪ના રોજ પાયલબેન પોતાના પરિવારની સાથે રાણેકપર ગામે પોતાના માસીના દીકરાના લગ્નમાં ગયા હતા અને તારીખ ૦૫ના રોજ બપોરના સમયે પાયલબેન તેના દાદાના સંતાનો પ્રકાશભાઈ અને હેતલબેન સાથે પ્રકાશભાઈ ના મોટરસાયકલ GJ-36-AQ-2585માં સવાર થઈને પોતાના ઘરે જેતપર ગામે જવા નીકળ્યા હતા. તેઓ ત્રિપલસવારીમાં પસાર થઈ રહ્યા હતા. એ વખતે સુસવાવ પાટીયાથી આગળ ડિવાઇન બોર્ડ પ્રાઇવેટ લિમિટેડના કારખાના પાસે પહોંચતા આરોપી ટ્રેક્ટર જીજે-૧૩-સી એ -૯૮૫૬ના ચાલક રોંગ સાઈડમાં પુરપાટ વેગે આવ્યો હતો.

જેથી પ્રકાશભાઈએ મોટરસાયકલની ગતિ ધીમી કરી દીધી હતી છતાં પણ ટ્રેક્ટર ચાલક પૂરઝડપે આવતા તેણે મોટરસાયકલને હડફેટે લીધું હતું. અને ટ્રેક્ટર મોટરસાયકલ ઉપર ચડી ગયું હતું. જેને પગલે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં પાયલબેનને ગંભીર ઇજાઓ થઈ હતી. જ્યારે પ્રકાશભાઈ અને હેતલબેન ટ્રેક્ટરની બાજુમાં રોડ પર પડી ગયા હતા અને તેઓ પણ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. આ અકસ્માતમાં ગંભીરઇજાઓને પગલે હેતલબેનનું મોત નીપજયું હતું. જ્યારે પ્રકાશભાઈ અને પાયલબેન હાલ સારવાર હેઠળ છે. જે મામલે હળવદ પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે

આ સમાચારને શેર કરો