skip to content

આજે ઠંડા રાજકોટના ACS સ્ટેડીયમમાં હોટ ક્રિકેટ જંગ

રાજકોટ: આજે દેશના કરોડો ક્રિકેટ ચાહકો માટે ઈન્તજારીનો અંત આવી ગયો છે. ક્રિકેટ વિશ્ર્વની બે ટોચની ટીમ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેના બીજા વનડે માટે રાજકોટના ભરચક એસસીએ સ્ટેડીયમમાં બીજા વનડેનો ઉતેજનાસભર પ્રારંભ થતા જ પ્રેક્ષકોની કિકીયારીથી સમગ્ર સ્ટેડીયમ ગાજી ઉઠયુ હતું. ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલી અને પ્રવાસી ઓસી ટીમના કેપ્ટન એરોન ફીન્ચના ટોસ સાથે જ શરૂ થયેલું કાઉન્ટડાઉન હવે શ્રેણી માટે નિર્ણાયક બનશે. ઓસ્ટ્રેલિયામાં વાનખેડે સ્ટેડીયમમાં પ્રથમ વનડે 10 વિકેટે જીતીને ભારતને તેની જ ધરતી પર જે મજબૂત પડકાર આપ્યો હતો તેનો મુકાબલો કરીને ત્રણ વનડેની શ્રેણી 1-1થી સમતોલ કરવાના ટીમના પ્રયાસથી વનડે રોમાંચક બની જશે તે નિશ્ર્ચિત છે.

જો કે આ મેદાન પર અગાઉ રમાયેલા બન્ને વનડેમાં ભારતને ઈંગ્લેન્ડ અને દ.આફ્રિકા સામે પરાજય સહન કરવો પડયો હતો તેથી વિરાટ એન્ડ કાું. હવે તે ઈતિહાસ બદલવા આતુર છે. રાજકોટના મેદાન પર રોહિત શર્મા પણ તેની વનડે કેરીયરમાં એક નવો સિમાચિહન સ્થાપવાનો અવસર છે તે જો આ મેદાન પર વધુ 46 રન બનાવે છે તો તે વનડેમાં 9000 રન પુરા કરશે તો કેપ્ટન તરીકે વિરાટ કોહલી આ મેદાન પર સદી ફટકારે તેવી પ્રેક્ષકોની ઈચ્છા છે અને વિરાટ જો 95 રન પણ બનાવે તો કેપ્ટન તરીકે વનડેમાં 5000 રન પુરા કરશે.

ગઈકાલે બન્ને ટીમોએ ભરપુર નેટપ્રેકટીસ કરી હતી. ખાસ કરીને રાજકોટની પીચ બેટીંગ પેરેડાઈઝ ગણાતી હોય ઓસ્ટ્રેલિયાની ટીમ પુર્ણ ફોર્મમાં હોવાથી તેના બેટસમેનોને અંકુશમાં રાખવા માટે ટીમ ઈન્ડિયાના બોલરોની કસોટી છે. પ્રથમ વનડેમાં ભારતીય બોલરો કોઈ રીતે ઓસીના ઓપનરને બેકફૂટમાં મુકી શકયા નહી તથા ફિન્ચ-વોર્નરની જોડીએ મેદાનની ચારે તરફ ભરપુર ફટકા લગાવીને 256 રનનો લક્ષ્યાંક આસાનીથી પાર પાડી દીધો હતો.

રાજકોટનું આ મેદાન 29000 થી વધુ પ્રેક્ષકોની ક્ષમતા ધરાવે છે. આજે સવારે 11 વાગ્યા બાદ સ્ટેડીયમ ભણી જતા માર્ગો પર ક્રિકેટ ચાહકો ભારતના રાષ્ટ્રધ્વજ સાથે ઝૂમતા નજરે પડયા હતા. બન્ને ટીમોએ મેચના પ્રારંભ પુર્વે જ થોડી વોર્મઅપ પ્રેકટીસ કરી છે. રાજકોટના હવામાનમાં જે ઠંડીનું પ્રમાણ સતત વધી રહ્યું છે તે બીજી ઈનિંગ્સમાં પવનની ગતિના કારણે બોલીંગ પર અસર કરે તેવી શકયતા છે.

આ પણ વાંચો …..

આ સમાચારને શેર કરો