ઠીકરીયાળી ફાયરિંગ પ્રકરણ: જમીનના ડખ્ખામાં દેવાબાપાની જગ્યાના મહંત સહિત 11 સામે ફાયરીગની ફરિયાદ

વાંકાનેર : વાંકાનેર તાલુકાના ઠીકરીયાળી ગામે દેવાબાપાની જગ્યા પાસે ગઈકાલે બપોરે યુવાન ઉપર ફાયરીંગ કર્યાનો બનાવ બન્યો હતો. આ ઘટનામાં ઇજાગ્રસ્ત યુવાને ફરિયાદ નોંધાવી છે. જેમાં જમીનના ડખ્ખામાં દેવાબાપાની જગ્યાના મહંત સહિત 11 શખ્સો સામે આ યુવાન ઉપર ફાયરીંગ કરીને ગાડીમાં તોડફોડ કર્યાની ફરિયાદ નોંધાતા વાંકાનેર તાલુકા પોલીસે આ તમામ આરોપીઓ સામે ગુનો નોંધી સઘન તપાસ હાથ ધરી છે.

આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત વિગતો અનુસાર ધનજીભાઇ હમીરભાઇ રોજાસરા ઉ.વ.૪૦ રહે.રાજપરા તા.ચોટીલા વાળાએ દલસુખભાઇ વિરજીભાઇ રહે.દેવાબાપાની જગ્યા વાંકાનેર બાઉન્ટ્રી પાસે, નારણભાઇ રહે.પાચવડા, વિરજી ભગત રહે. દેવાબાપાની જગ્યા વાંકાનેર બાઉન્ટ્રી પાસે તથા સાતથી આઠ અજાણ્યા માણસો સામે ફરિયાદ નોંધાવી હતી કે ફરિયાદીએ ચારેક વર્ષ પહેલાં વાંકાનેર તાલુકાના ઠીકરીયાળી ગામના ધનજીભાઈ નકીયા પાસેથી ચોટીલા બમોણબોર ટોલનાકા ઉપર દેવાબાપાની જગ્યાની બાજુમાં આવેલ કુલ 2 વિધા જમીન રૂ.60 લાખમાં લીધી હતી. જે તે સમયે આ જમીનનું 50 ટકા પેમેન્ટ ચૂકવી દીધું હતું, બાકીનું 50 ટકા પેમેન્ટ ચૂકવવાનું હતું. આ જમીનનો કબ્જો દેવાબાપાની જગ્યાના મહંત વિરજી ભગત પાસે હતો.

દરમિયાન ફરિયાદીને પૈસાની જરૂરત હોય તેમણે આ જમીન રાજકોટના પ્રવીણભાઈ રાવળને રૂ.60 લાખમાં વેચાતી આપી હતી અને આ જમીનનું ગત તા.6 ના રોજ સાટાખત પણ કરી દીધું હતું. આ જમીન વેંચાતી આપ્યા બાદ ફરિયાદી તથા જમીન ખરીદનાર રાજકોટના પ્રવીણભાઈ તેમજ મહિપતસિંહ જાડેજા વિરજી ભગતને મળવા ગયા હતા અને તેમણે જમીનની માપણી કરવામાં કોઈ વાંધો ન હોવાનું જણાવતાં ગઈકાલે આ ત્રણેય ત્યાં જમીનની માપણી કરવા ગયા હતા. તે સમયે જમીન બાબતે ડખ્ખો થયો હતો.

આથી ફરીયાદી ધનજીભાઇ હમીરભાઇ રોજાસરાને આરોપી સાથે જમીનના કબ્જા બાબતે મનદુ:ખ હોય અને ફરીયાદી તથા સાહેદો તેને લીધેલ જમીન માપણી કરવા આવતાં આ કામના આરોપીઓએ એકસંપ કરી લાકડી ધોકા પાઇપ બંધુકનો જોટા (અગ્નીશસ્ત્ર) જેવા પ્રાણઘાતક હથીયારોથી ફરીયાદી તથા સાહેદો ઉપર જીવલેણ હુમલો કરી ફરીયાદી ઉપર બંધુકના જોટા (અગ્નીશસ્ત્ર) માંથી ફાયરીંગ કરી ઇજા કરી હતી તેમજ આરોપીઓએ અન્ય ફરીયાદીને ધોકા તથા પાઇપ વતી માર મારી ફરીયાદીને ડાબા પગે ફેકચર તથા જમણા પગમાં બે ફેકચર જેવી ઇજા કરી તથા માથાના ભાગે તથા શરીરે મુંઢમાર જવી ઇજા કરી તેમજ ફરીયાદી તથા સાહેદોની ગાડીમાં ધોકા, પાઇપ તથા પથ્થર વડે તોડી નાખી નુકશાન કર્યું હતું આ બનાવની ફરિયાદ નોંધાતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

આ બનાવમાં ગ્રામજનોમાં ચર્ચાતી વિગતો મુજબ જે જગ્યાનું વિવાદ ચાલી રહ્યો છે તે જગ્યા વર્ષોથી દેવાબાપાના મંદિરમાં વપરાઈ રહી છે જે જગ્યાનો કબજો મેળવવા માટે છેલ્લા એક અઠવાડિયાથી ફરિયાદી અને તેના મળતિયાઓ આવી રહ્યા હતાં વિવાદિત જમીન માપણી માટે મોરબી, વાંકાનેર, રાજકોટના જમીન માફિયાઓ પણ સાથે રહ્યા હતાં જો મોરબી જિલ્લા પોલીસ વડા છેલ્લા ત્રણ દિવસના બાઉન્ટ્રીની આસપાસના સીસીટીવી ફુટેજ તેમજ જમીન માપણી કરવા આવેલ લોકોના મોબાઇલની કોલ ડિટેઇલ કઢાવે તો મોરબી જીલ્લામાં પગપેસરો કરતાં જમીન માફિયાઓનો મોટો પર્દાફાશ થશે તેવું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે.

આ સમાચારને શેર કરો