Placeholder canvas

રાજકોટમાં શનિવારથી પ્રજાસત્તાક પર્વની ઉજવણી શરૂ : એર શો જામવટ કરશે.

રાજકોટમાં આવતીકાલ શનિવારથી 26 જાન્યુઆરી સુધી પ્રજાસત્તાક પર્વની રાજયકક્ષાની ઉજવણીનો આરંભ થશે. રાજકોટમાં આવતીકાલે સવારે અશ્વ શો અને સાંજે ન્યુ રેસકોર્ષ ખાતેના એર શો જમાવટ કરશે. મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની ઉપસ્થિતિમાં શહેર-જિલ્લામાં 704 કરોડના વિકાસ કામોના ખાતમુર્હુત-લોકાર્પણો કરવામાં આવશે.

જિલ્લા કલેકટર રેમ્યા મોહન, અધિક નિવાસી કલેકટર પરિમલ પંડયા સહિતની ટીમ રાજકોટે મુખ્યમંત્રી ઉપરાંત ડઝનબંધ પ્રધાનોના હસ્તે યોજાનારા વિવિધ કાર્યક્રમોની તૈયારીઓને રાત-દિવસ જહેમત ઉઠાવી આખરી ઓપ આપી દીધો છે.

રાજકોટમાં આવતીકાલથી પ્રજાસત્તાક પર્વની ઉજવણી અવસરે શહેર-જિલ્લાની તમામ સરકારી-સહકારી સંસ્થા કચેરીઓને રોશનીથી સજાવટ કરવામાં આવી છે. ઉપરાંત શહેરમાં 37 જેટલા સર્કલોને વિવિધ થીમ બેઇઝથી, કટ આઉટથી શણગારવામાં આવ્યા છે. રાજકોટ જિલ્લા ઉપરાંત મનપા-રૂડા સહિતની વિવિધ સરકારી કચેરીના કરોડો રૂપિયાના વિકાસ કામોના ખાતમુર્હુત-લોકાર્પણ થશે. શહેરમાં 1000 મહેમાનો આવશે. કાર્યક્રમોને લઇ શહેર-જિલ્લામાં 4200 જવાનોનો બંદોબસ્ત-ચેકીંગ શરૂ થયા છે.

આવતીકાલે અશ્વ શો-એરશોની જમાવટ
રાજકોટમાં આવતીકાલે સવારે પોપટપરા માઉન્ટેન પોલીસ લાઇન ખાતે સવારથી સાંજ સુધીનો પોલીસ દ્વારા અદભૂત અશ્વ શો શરૂ થશે. આ અશ્વ શોમાં વિવિધ અશ્વ સવારો પોતાની કલા-કરતબોની અદભૂત પ્રસ્તુત કરશે. આ અશ્વ શોમાં 100થી વધુ કરતબોએ ભાગ લેનાર છે અને વિવિધ સ્પર્ધા યોજાશે. જેમાં વિજેતાને ઇનામો અપાશે.

આ ઉપરાંત આવતીકાલે નવા રેસકોર્ષ ખાતે સાંજે અદભૂત એર-શો યોજવામાં આવશે. એવીએશન વિભાગ દ્વારા એર બયુન શો-તિરંગો લહેરાવાશે અને જમીનથી 100 મીટર ઉંચેથી હવાઇ કરતબો રજૂ થશે.

ખીરસરામાં પ્લોટનો ડ્રો
રાજકોટમાં ઔદ્યોગિક એકમો ધીમે ધીમે સક્ષમ બની રહ્યા છે. તેમને વધુ સક્ષમ બનાવવા માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નો કરી રહી છે. જેને અનુલક્ષીને ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના અધ્યક્ષ સ્થાને તા.18 જાન્યુઆરીના રોજ સવારે 11 કલાકે લોધિકા તાલુકા ખાતે ખીરસરા ઔદ્યોગિક વસાહતના પ્લોટની ડ્રો સીસ્ટમ દ્વારા ફાળવણી કરવામાં આવશે.

આ પ્રસંગે અતિથિ વિશેષ તરીકે અન્ન નાગરિક પુરવઠા મંત્રી જયેશભાઈ રાદડીયા, પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળીયા અને ગુજરાત ઔદ્યોગિક વિકાસના અધ્યક્ષ બલવંતસિંહ રાજપૂત ઉપસ્થિત રહેશે. અને મુખ્ય મહેમાન પદે સંસદ મોહનભાઈ કુંડારિયા, ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, અરવિંદભાઈ રૈયાણી અને લાખાભાઈ સાગઠીયાની પ્રેરક ઉપસ્થિતિ રહેશે.

બાળતંદુરસ્તી સ્પર્ધા
રાજકોટ ખાતે પ્રજાસત્તાક પર્વની રાજયકક્ષાની ઉજવણી અન્વયે અનેકવિધ કાર્યક્રમો યોજાનાર છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આ ઉજવણી અંતર્ગત તા.18મી જાન્યુઆરીના રોજ બાળતંદુરસ્તી હરીફાઇ યોજાનાર છે. પ્રમુખસ્વામિ ઓડીટોરીયમ ખાતે બપોરે 12 કલાકે મેયર શ્રીમતી બીનાબેન આયાર્યના અધ્યક્ષપદે યોજાનાર આ કાર્યક્રમનું ઉદઘાટન જાણીતા તબીબી ડો. સુમતીલાલ હમાણીના હસ્તે દીપપ્રાગટ્યથી કરાશે.

આ કાર્યક્રમમાં સાંસદ મોહનભાઇ કુંડારીયા, મ્યુનિસીપલ ફાઇનાન્સ બોર્ડના અધ્યક્ષ ધનસુખભાઇ ભંડેરી, ધારાસભ્યો ગોવીંદભાઇ પટેલ, લાખાભાઇ સાગઠીયા, અરવીંદભાઇ રૈયાણી, ભાજપ મહિલા મોરચાના પ્રભારી શ્રીમતી અંજલીબેન રૂપાણી શહેર ભાજપ પ્રમુખકમલેશભાઇ મીરાણી, અગ્રણી નિતીનભાઇ ભારદ્વાજ વગેરે ઉપસ્થિત રહેશે.

સાયકલોથોન
રાજકોટ ખાતે થનારી રાજ્યકક્ષાની પ્રજાસત્તાક પર્વની ઉજવણી અન્વયે અનેકવિધ કાર્યક્રમો યોજાશે. જે અંતર્ગત આગામી તા.19મી જાન્યુઆરીએ રાજકોટ મહાનગરપાલિકા, રાજકોટ રેન્ડોનિયર્સ, એક્રોલોન્સ ચિલ્ડ્રન કલબ તથા જીનિયસ ગ્રૂપના સંયુક્ત ઉપક્રમે બાળકો માટે સાયકલો કિડ્ઝ અને યુવાનો માટે સાયકલોથોન કવિ રમેશ પારેખ રંગ દર્શન રેસકોર્ષ – રાજકોટ ખાતે અનુક્રમે સવારે 06:00 તથા 06:30 કલાકે યોજાનાર છે. મેયર શ્રીમતી બિનાબેન આચાર્યના અધ્યક્ષપદે યોજાનાર આ કાર્યક્રમનું ઉદઘાટન ગુજરાત મ્યુનિસિપલ ફાયનાન્સ બોર્ડના અધ્યક્ષ ધનસુખભાઈ ભંડેરીના હસ્તે થશે.

રકતદાન કેમ્પ
જિલ્લા વહીવટી તંત્ર દ્વારા રાજકોટનાં ગ્રામ્ય વિસ્તારોમાં મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. તા. 22 અને 23 જાન્યુઆરીનાં રોજ સવારે 8 થી સાંજે 5 વાગ્યા સુધી વિવિધ ગામમાં આ કેમ્પ યોજાશે. જેતપુરમાં સરકારી હોસ્પિટલ ખાતે, ઉપલેટામાં કોટેજ હોસ્પિટલ ખાતે, ધોરાજીમાં સરકારી હોસ્પિટલ ખાતે, જામકંડોરણામાં કુમાર છાત્રાલય ખાતે, કોટડાસાંગાણીમાં શાપર વેરાવળ ખાતે, જસદણમાં સરકારી હોસ્પિટલમાં

આગામી 26મી જાન્યુઆરીએ રાજકોટ ખાતે રાજ્યકક્ષાના પ્રજાસત્તાક પર્વની ભવ્યાતિભવ્ય ઉજવણી થવાની છે. આ ઉજવણીને વિશિષ્ટ બનાવવા જિલ્લા વહીવટીતંત્ર, રાજકોટ મહાનગરપાલિકા તથા વિવિધ સરકારી વિભાગો દ્વારા પુરજોશમાં તૈયારીઓ થઇ રહી છે. આ ઉજવણી અન્વયે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી દ્વારા 25મી જાન્યુઆરીનાં રોજ વિવિધ વિકાસકાર્યોનાં ખાતમુહૂર્ત તેમજ લોકાર્પણ કરવામાં આવશે.

વિકાસની દિશામાં દોટ માંડી ચૂકેલા રાજકોટમાં લોકોની સવલતો વધારવા સતત પ્રયત્નશીલ રાજ્ય સરકાર અવનવા વિકાસકાર્યો કરતી રહે છે. આ અન્વયે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીનાં હસ્તે રૂા. 70438.96 લાખના જુદાં-જુદાં વિકાસકાર્યોનાં ખાતમૂહુર્ત તેમજ લોકાર્પણ કરવામાં આવશે. જેમા રૂા. 2209.36 લાખના ખર્ચે ગૃહવિભાગનાં 4 વિકાસકાર્યોનું, રૂા. 5787.79 લાખના ખર્ચે વાહનવ્યવહાર વિભાગનાં 1 કામનું, રૂા. 62441.81 લાખના ખર્ચે શહેરી વિકાસ વિભાગનાં 10 કાર્યોનું લોકાર્પણ અને 21 કાર્યોનું ખાતમુહૂર્ત કરવામાં આવશે.

જેમાં માધાપર ખાતે સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ, આવાસ યોજનાના ડ્રોનું લોકાર્પણ અને વેસ્ટ ટુ એનર્જી પ્રોજેક્ટનું , 24 ગામો માટે પાણી પૂરવઠા યોજના, 728 આવાસોના બાંધકામ વગેરેના ખાતમુહૂર્ત સહિત આશરે 704 કરોડ 38 લાખના વિકાસકાર્યોનું લોકાર્પણ તેમજ ખાતમુહૂર્ત કરવામાં આવશે.

આ સમાચારને શેર કરો