Placeholder canvas

રાજકોટ યાર્ડમાં આજે પણ હડતાલ: મચ્છરોના નાશ માટે કાર્યવાહી શરૂ

રાજકોટ: મચ્છર અને પોલીસ દમનનાં વિરોધમાં હડતાલ ઉપર ઉતરી ગયેલા બેડી માર્કેટ યાર્ડનાં વેપારીઓ અને મજુરોની આજે સતત બીજા દિવસે પણ હડતાલ યથાયત રહેવા પામી હતી. અને હ્રરાજી ઠપ્પ રહેતા માલનાં ટન બંધ ઢગલા ખડકાયેલા રહેવા પામ્યા હતાં.

દરમ્યાન યાર્ડમાં જેનો સૌથી વધુ ત્રાસ છે અને જે પ્રશ્ર્ને બબાલ સર્જાઈ છે તે મચ્છરોનાં ત્રાસ માટે મ્યુ. કોર્પોરેશનના કલેકટર, જિ.પં. વિગેરે તંત્રએ સાથે મળી મચ્છરોનાં નાશ માટે કાર્યવાહી ગઈકાલથી જ શરૂ કરી દીધી છે અને યાર્ડ તથા આસપાસનાં વિસ્તારોમાંથી ગાંડીવેલ કાઢી અને મોડે સુધી ફોગીંગ કરવામાં આવેલ હતું.

મચ્છરોનાં નાશ માટે તંત્ર દ્વારા કાર્યવાહી શરૂ કરવામાં આવી હોવા છતા વેપારીઓ-ખેડુતો અને મજુરો દ્વારા હડતાલ હજુ યથાવત રાખી કામગીરી નહી કરવા અડગ હોવાનું દેખાઈ રહ્યુ છે. દરમ્યાન જયારે તંત્રએ મચ્છરનાં નાશની કામગીરી શરૂ કરી છે. અને સઘન પગલા લેવાનું શરૂ કર્યુ છે ત્યારે હવે હડતાલને ખતમ કરવા માટે યાર્ડનાં સતાવાળાઓએ વેપારીઓ અને મજુરોને સલાહ આપી છે. છતા આ સલાહને વેપારીઓ અને મજુરોએ ફગાવી દીધી છે અને આજે સતત બીજા દિવસે પણ પોલીસ દમન અને મચ્છરોનાં મુદ્દે હડતાલ યથાવત રાખવામાં આવી હતી.દરમ્યાન વધુમાં મળતી વિગતો મુજબ યાર્ડમાં તોફાન મુદ્દે પકડાયેલા 32 જેટલા વ્યકિતઓની પોલીસે ધરપકડ કરી હતી.

આ તમામને ગત મોડી રાતે છુટકારો થયો છે. અને હવે વેપારીઓ-દલાલો તથા મજુરોની બેઠક મળશે. ત્યાર બાદ યાર્ડની હડતાલ કયારે ખતમ કરવી તે અંગે નિર્ણય લેવામાં આવશે.દરમ્યાન આજે પણ યાર્ડમાં હડતાલ યથાવત રહેતા અને હરરાજી ઠપ્પ રહેતા આવેલા ખેડુતોની હાલત કફોડી બની હતી. અને ખેડુતો હેરાન પરેશાન થતા નજરે પડયા હતાં.

આ સમાચારને શેર કરો