ટંકારા પંથકના ખેડુતોએ પ્રધાનમંત્રીને લખ્યા હજારો પોસ્ટકાર્ડ

પોસ્ટકાર્ડમાં વિવિધ સમસ્યાઓ વર્ણવી ખેડૂતોએ સહાયની કરી માંગ

By Ramesh Thakor- Hadmatiya

હડમતીયા : ગુજરાતના સુરેન્દ્નગર, જામનગર, જુનાગઢ જિલ્લાઓ બાદ હવે મોરબી જીલ્લના ટંકારાના કોયલી, લજાઈ, હડમતિયા, સજ્જનપર પંથકના અનેક ગામના ખેડુતોએ પ્રધાનમંત્રીને પોસ્ટકાર્ડ લખીને પોતાની મુશ્કેલીઓ અને વ્યથા જણાવી રહ્યા છે. ટંકારા તાલુકામાં અતિભારે વરસાદની કળમાંથી માંડ માંડ ખેડુતો પોતાનો પાક બચાવી શક્યા હતા ત્યાં ‘કયાર’ અને ‘મહા’ નામના વાવાઝોડાના કહેરથી કમોસમી વરસાદ પડતા ખેડુતોનાં મોંઢે આવેલ કોળીયો ઝુંટવાઈ ગયો હતો.

મગફળી, તલ, કપાસ, જુવાર, મગ, અડદ જેવા પાકનો સફાયો થઈ જતા જગતનો તાત નોંધારો બન્યો છે. મોટાભાગના ખેડૂતોની મગફળીના પાથરા પલળીને નાશ થઈ ગયા, કપાસ પલળી ગયો આથી મહેનત અને રોકાણના પ્રમાણમાં દામ ન નિપજતા ધરતીપુત્રો સરકાર સામે ઓશિયાળા બની ગયા. છેલ્લે છેલ્લે થયેલા માવઠાથી ખેતરોમાં ભરાયેલા પાણીને કારણે રવિ વાવેતરની સીઝનના મહત્વના દિવસો વેડફાઈ ગયા હોવાથી પડ્યા પર પાટું જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. શરૂઆતમાં સારો વરસાદ થયો હોવાથી સારી નીપજ થશે એવા સ્વપ્નમાં રાચતા ઘણા ખેડૂતોએ સંતાનોના લગ્નોના આગોતરા આયોજનો પાક નિષ્ફળ જવાથી અટકી પડ્યા છે.

વડાપ્રધાન મોદીની લખેલા પત્રમાં રાજ્યની અસંવેદનશીલ સરકાર, સર્વેના નામે અરજીઓ સ્વીકારવામાં વિલંબ, વળતરની કાર્યવાહીમાં લોલંલોલ, લાયકાત વગરના સર્વે કર્મચારીઅો, યોગ્ય માહિતી આપવી નહી તેમજ હેલ્પલાઈન નંબર બાબતે ખેડુતોને હેરાન કરવા જેવી અનેક હૈયા વરાળ ખેડૂતોએ પત્રમાં ઠાલવી છે. આ વર્ષને રાજ્ય સરકાર લીલા દુષ્કાળગ્રસ્ત જાહેર કરતી ન હોવાનો તેમજ વિમા કંપનીને ખેડુતોએ પોતાના પાકનું પ્રિમિયમ ભર્યું હોવા છતાં

“પ્રધાનમંત્રી ફસલ યોજના”ની ગાઈડલાઈન મુજબ વળતર ન ચુકવતી હોવાના આક્ષેપ કરી ટંકારા પંથકના અનેક ગામના ખેડુતોઅે પોતાની મનોવેદના હજારો પત્ર દ્વારા ઠાલવીને પ્રધાનમંત્રીને જગાડવાનો પ્રયાસ કર્યો છે. સૌરાષ્ટ્રમાંથી આ રીતે હજારો ખેડૂતોના પોસ્ટકાર્ડ પ્રધાનમંત્રી કાર્યાલયે પહોંચતા હવે આ બાબતે સરકાર કેવું વલણ અપનાવે છે એના તરફ સહુની મીટ મંડાઈ છે.

ઝડપથી સમાચાર અને વિશેષ માહિતી મેળવવા માટે કપ્તાનના વોટસએપ ગૃપમા જોડાવો…. જોડાવા નીચેની લિંક કલિક કરો…

https://chat.whatsapp.com/ECVpypuZSbJBZMyYjhoQVi

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક, ફોલો અને સબ્સ્ક્રાઇબ કરી શકો છો.…

આ સમાચારને શેર કરો