હાશ: ગુજરાતમાં કમોસમી વરસાદની હવે કોઈ સંભાવના નથી
ખેડૂતોને રાહત આપતા સમાચાર સામે આવ્યા છે, હવે જે ગુજરાતમાં માવઠાની આગાહી હતી તેમની કોઈ સંભાવના નથી તેવું હવામાન ખાતાએ જણાવ્યું છે. લક્ષદ્વીપ નજીક સમુદ્રમાં સર્જાયેલા લો-પ્રેશરની અસરથી ગુજરાતમાં ઠંડી વચ્ચે કમોસમી માવઠું થવાની સંભાવનાને પગલે ખેડૂતો ચિંતિત બન્યા છે. એવામાં આજે હવામાન વિભાગના ડાયરેકટર મનોરમા મોહંતીએ રાજ્યમાં 5 દિવસ સુધી વરસાદની શક્યતા નહિવત હોવાનું જણાવ્યું છે.
હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મોહંતીએ જણાવ્યું કે, અરબી સમુદ્રમાં ડિપ્રેશન સર્જાયુ છે. જેના કારણે ગુજરાતના હવામાન ઉપર ખાસ કોઈ અસર નહીં થાય. હાલના તબક્કે ગુજરાતમાં ક્યાંય પણ વરસાદની કોઈ સંભાવના નથી. અરબી સમુદ્રમાં ડિપ્રેશન હોવાના કારણે અમે તકેદારીના ભાગરૂપે રાજ્યના તમામ પોર્ટને એક નંબરનું સિગ્નલ લગાવવાનું કહ્યું છે. જેથી ઈસ્ટ અરેબિયન સીમાં જ્યાં સિસ્ટમ સર્જાયી છે, ત્યાં કોઈ શિપ કે માછીમારોની બોટ ના જાય. હાલ રાજ્યમાં વરસાદની કોઈ શક્યતા નથી.
અત્રે ઉલ્લેખનિય છે કે, લો-પ્રેશરની અસરથી ગુજરાતમાં માવઠું થવાની શક્યતાઓ વચ્ચે શનિવારે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ સર્જાયું હતું. આટલું જ નહીં, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના દરિયા કાંઠા વિસ્તારોમાં 7 નવેમ્બરથી 9 નવેમ્બર દરમિયાન વરસાદી ઝાપટા પડવાની આગાહી પણ કરવામાં આવી હતી. આ કમોસમી માવઠાના કારણે ખેતરમાં ઉભેલા રવિ પાકને નુક્સાન થશે, તો નવા વર્ષે જ ખેડૂતોને રડવાની નોબત ઉભી થઈ શકે તેમ હતી. જો કે હવે હવામાન વિભાગના ડાયરેક્ટરના જવાબ બાદ જગતના તાતને હાશકારો થયો હશે.