Placeholder canvas

શનિવાર સુધી ગરમીમાં સેકાવા થઈ જાવ તૈયાર: તાપમાન 44 ડીગ્રીને આંબશે

કેટલાંક વખતથી માવઠાના માર વચ્ચે બેવડી ઋતુનો સામનો કરી રહેલા સૌરાષ્ટ્ર ગુજરાતમાં આખરે હવે ગરમીનો રાઉન્ડ શરૂ થયો છે.શનિવાર સુધી તાપમાન ઉંચુ રહેવાની અને અમુક સેન્ટરોમાં 44 ડીગ્રીને પણ આંબી કે વટાવી જવાની આગાહી જાણીતા વેધર એનાલીસ્ટ અશોકભાઈ પટેલે કરી છે.

તેઓએ જણાવ્યું છે કે, સૌરાષ્ટ્ર-કચ્છ-ગુજરાતમાં હાલ તાપમાન નોર્મલ આસપાસ રહ્યા કરે છે. અમદાવાદમાં 41.6 ડીગ્રી તાપમાન નોંધાયુ હતું તે નોર્મલ હતું. રાજકોટમાં 41.7 ડીગ્રી હતું તે નોર્મલ કરતાં એક એક ડીગ્રી વધુ હતું. વડોદરામાં 40.2 ડીગ્રી તથા ડીસામાં 40.05 ડીગ્રી હતું તે સામાન્ય હતું.

તા.9 થી 16 મે સુધીની આગાહી કરતાં અશોકભાઈ પટેલે જણાવ્યું છે કે, આજથી ગરમીનો રાઉન્ડ શરૂ થઈ ગયો છે અને તે આગામી તા.13 મીને શનિવાર સુધી યથાવત રહી શકે છે. ચાર દિવસનાં આ આકરી ગરમીનાં રાઉન્ડમાં ગરમ સેન્ટરોમાં તાપમાનનો પારો 42 થી 44 ડીગ્રીની રેન્જમાં પહોંચવાની શકયતા છે. જયારે અમુક સેન્ટરોમાં 44 ડીગ્રીને પણ વટાવી શકે છે.

તા.14 થી 16 દરમ્યાન ગરમીમાં ફરી રાહત મળશે. આગાહીનાં સમયગાળા દરમ્યાન મોટાભાગે પશ્ચિમી પવનો ફુંકાશે જયારે કયારેક ઉતર પશ્ચિમ કે દક્ષિણ પશ્ચિમના પવન ફુંકાઈ શકે છે. પવનની ગતિ સરેરાશ 10 થી 15 કીમીની રહેશે સાંજે 15 થી 30 કિમી રહેશે તા.12 થી 16 દરમ્યાન પવનનું જોર વધુ રહેવાની સંભાવના છે.

આ સમાચારને શેર કરો