Placeholder canvas

વાંકાનેરના ગ્રામ્ય વિસ્તારમાં લગ્નની લાલચ આપી સગીરાનું અપહરણ

વાંકાનેરના ગ્રામ્ય વિસ્તારમાં યુવકે લગ્નની લાલચ આપી બદકામ કરવાના ઇરાદેથી સગીરાનું અપહરણ કર્યાની ઘટના સામે આવી છે. જે મામલે વાંકાનેર તાલુકા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે

વાંકાનેર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં રહેતા પરિવારની સગીરવયની દીકરાના પિતા એ આરોપી મધ્યપ્રદેશના ધાર જિલ્લાના કામટાના ગામના વતની અને હાલ વાંકાનેર ખાતે રહેતા ગોલુ ખુમસિંગ વિરુદ્ધ વાંકાનેર તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે તેમના સગા કાકા અલગ અલગ કારખાનામાં મહીલાઑને કામકાજ માટેના લેબર કોન્ટ્રાક્ટ રાખતા હોઇ જેથી તેમની દીકરી છેલ્લા ત્રણ ચાર મહીનાથી સીરામીક કારખાનામાં કામે જતી હતી. અને તેમના કાકાનો દીકરો તેની રીક્ષામાં અલગ અલગ ગામેથી છોકરીઓને કારખાને કામે લઇ જતો હતો અને ફરિયાદીની દીકરી પણ તેની રીક્ષામાં જતી હતી અને ગત તા.૧૯ ના રોજ તેમની દીકરી રીક્ષામાં કામે જવા માટે નીકળેલ હતી અને બપોરના સાડા બાર એક વાગ્યાની આસપાસ તેમણે જાણ થઈ હતું કે દીકરી કામે આવી નથી. જેથી તપાસ કરતાં સામે આવ્યું હતું કે, દીકરી રિક્ષામાં જ અધવચ્ચેથી જ ઉતરી ગઈ હતી. જે બાદ માતા-પિતાએ તેમની દીકરીની અનેક સ્થળે શોધખોળ કરતાં કારખાનામાં આજથી દોઢ મહીના પહેલા ગોલુ નામનો પરપ્રાંતિય શ્રમિક કામ કરતો હતો અને તેને દીકરી સાથે પ્રેમસબંધ હોવાનું જાણવા મળ્યું હતું.

જેથી અન્ય શ્રમિકોને પૂછપરછ કરતાં જાણવા મળ્યું હતું કે, ગોલુની મૂળ મધ્યપ્રદેશનો વાતની હતો અને તેની માતા અને ભાઇ સાથે રહેતો હતો. બંનેનો સંપર્ક કરતાં ફોન સ્વીચ ઓફ આવ્યો હતો. એ દરમિયાન એક શ્રમિકે જણાવ્યુ હતું કે,તે વતનમાં ગયેલ હતો અને તા.૧૯ના રોજ વતનમાંથી બસમાં આવતો હતો ત્યારે રોજ સવારમાં ચોટીલા બાઉન્ડ્રી પાસે ગોલુ ઉતરી ગયો હતો.જેથી સગીરાના પિતાએ તેમની ૧૭ વર્ષ પ મહીનાની દીકરીને આરોપી ગોલુએ બદકામ કરવાના ઇરાદાથી લગ્ન કરવાની લાલચ આપી લલચાવી ફોસલાવીને તેમના વાલીપણા માંથી ભગાડી લઈ જઈ ગુનો કર્યાની ફરિયાદ નોંધાવી છે. તેમની દીકરી ઘંઉવર્ણી છે અને તેની ઉંચાઇ આશરે પાંચ ફુટ તથા શરીરે પાતળો બાંધો છે અને મોઢુ લંબગોળ છે અને ડાબા હાથમાં કાંડાથી નીચેના ભાગે સ્ટાર ત્રોફાવેલ છે અને ઘરેથી નીકળી ત્યારે કાળા કલરની ચોરણી તથા સફેદ જેવા કલરનો ઝભ્ભો તથા સફેદ કલરની ઓઢણી ઓઢી હતી. જે મામલે વાંકાનેર તાલુકા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે

આ સમાચારને શેર કરો