Placeholder canvas

રાજકોટ: રાજકમલ ફર્નિચરમાં વિકરાળ આગ: શો-રૂમ અને ગોડાઉન બળીને ખાક

રાજકોટ: શહેરના આનંદ બંગલા ચોક નજીક અશોક ગાર્ડનની સામે આવેલા રાજકમલ ફર્નિંચર નામના શો-રૂમ અને ગોડાઉનમાં ભયાનક આગ ફાટી નીકળતાં દોડધામ થઈ જવા પામી હતી. આગની જાણ થતાં જ ફાયરબ્રિગેડ દોડી ગયું હતું પરંતુ ત્યાં સુધીમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હોવાને કારણે આઠ જેટલા ફાયર ફાયટરો દોડાવવા પડ્યા હતા.

બીજી બાજુ આગને કારણે અંદાજે એક કરોડથી વધુનું નુકસાન ગયું હોવાનો અંદાજ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. આ અંગે વધુમાં જાણવા મળતી વિગતો પ્રમાણે સવારે રાજકમલ ફર્નિચર શો-રૂમમાં સોફા બનાવવાની કામગીરી ચાલી રહી હતી તે વખતે અચાનક સ્પાર્ક થતાં તેનો તણખો ત્યાં જ બાજુમાં પડેલા ફોમ કે જે આગ પકડી લેવા માટે જાણીતું હોય છે તેને અડી ગયો હતો. આ પછી જોતજોતામાં આગ લાગવાનું શરૂ થઈ જતાં કામ કરી રહેલા કારીગરોએ સૌથી પહેલાં ત્યાં રહેલા ફાયર સેફ્ટીના સાધનો લઈને આગ ઓલવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તેમાં સફળતા મળી ન્હોતી કેમ કે આગની ગતિ અત્યંત તીવ્ર હોવાને કારણે તે આખા શો-રૂમમાં ફેલાઈ ગઈ હતી જેથી શો-રૂમના માલિકે સામાનની પરવા કર્યા વગર શો-રૂમ તેમજ ગોડાઉનમાં કામ કરી રહેલા કર્મચારીઓને બહાર કાઢવાનું શરૂ કર્યું હતું. સદ્નસીબે આગની ઝપટમાં એક પણ કર્મચારી આવ્યો ન્હોતો અને 60 જેટલા કર્મચારીઓ સમયસર બહાર નીકળી જતાં મોટી ખુંવારી અટકી ગઈ હતી.

જો કે ત્રણ કલાકની અંદર આગે આખેઆખો શો-રૂમ અને ગોડાઉનને ઝપટે લઈને સઘળું બાળી નાખ્યું હતું. આ ઉપરાંત શો-રૂમ તેમજ ગોડાઉનનું અંદર પડેલા વાહનો પણ બળી ગયા હતા.આગ લાગ્યાની જાણ થતાં જ વિસ્તારમાં લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા સાથે સાથે ફાયર ફાઈટરોની પણ સતત અવર-જવર થઈ હતી. ત્રણ કલાક સુધી આગ કાબૂમાં નહીં આવતાં આખા વિસ્તારના શ્વાસ અધ્ધર ચડી ગયા હતા. શો-રૂમની આજુબાજુમાં પણ અન્ય દુકાનો તેમજ શો-રૂમ આવેલા હોય ત્યાં આગની ઝપટ ન લાગે તે માટે સૌએ તકેદારીના ભાગરૂપે શટર પાડી દેતા મોટી દૂર્ઘટના અટકી હતી.

આ સમાચારને શેર કરો