વાંકાનેર: ઠીકરિયાળીમાંથી બાળકના અપહરણ અને હત્યાનો ભેદ ઉકેલાયો : આરોપીની ધરપકડ
મોરબી : વાંકાનેર બાઉન્ટ્રી પાસેથી તજેતરમાં બાળકનું અપહરણ થયા બાદ તેની લાશ કુવામાંથી મળી આવી હતી. આ કેસનો એલસીબીએ ભેદ ઉકેલી કાઢ્યો છે. પોતાની બાળકી સાથે મૃતક બાળકને બાળ સહજ રીતે શારીરિક ચેષ્ટા કરતા જોઈ જતા આરોપીએ બાળકને મારી નાખવાનો પ્લાન બનાવ્યો હતો અને બાળકનું અપહરણ કરીને કુવાની પારી સાથે માથું ભટકાડી લાશ કૂવામાં ફેંકી દીધી હોવાનું તપાસમાં ખુલ્યું છે.
પ્રાપ્ત થતી વિગત મુજબ વાંકાનેરના ઠીકરિયાળી ગામ પાસે આવેલ પ્રસિદ્ધ દેવાબાપાની જગ્યા પાસેથી પ્રિન્સ પ્રવીણભાઈ નાકીયા ઉ.વ.5નું ગત તા. 27 ઓગસ્ટના રોજ અપહરણ થયું હોવાનો બનાવ સામે આવ્યો હતો. બાદમા તા. 31 ઓગસ્ટના રોજ ગુમ થયેલા બાળકનો મંદિરના પાછળના ભાગે આવેલ વાડીના કુવામાંથી મૃતદેહ પથ્થર સાથે બાંધેલી હાલતમાં મળી આવ્યો હતો.
આ સમગ્ર કેસ મામલે એલસીબીએ સઘન તપાસ હાથ ધરી હતી. જેમાં સીસીટીવી ફુટેજના આધારે રસિક છેલુભાઈ નાકીયા ઉ.વ. 34ની હરકતો શંકાસ્પદ લાગતા તેની અટકાયત કરીને પૂછપરછ કરવામાં આવી હતી. પૂછપરછ દરમિયાન રસિક નાકિયા ભાંગી પડતા તેને સમગ્ર કેફિયત આપીને પોતે જ હત્યા કરી હોવાની કબુલાત આપી હતી.
ગુના અંગે રસિક નાકીયાએ કબૂલાત આપતા એલસીબીને કહ્યું હતું કે બનાવના એક અઠવાડિયા પૂર્વે તેની પુત્રી અને મૃતક બાળકને તે પોતાના બાથરૂમમાં બાળ સહજ રીતે શારીરિક ચેષ્ટા કરતા જોઈ ગયો હતો. જેથી તેને મૃતક બાળકનો કાંટો કાઢવાનું નક્કી કરી લીધું હતું. બાદમાં ત્રણ દિવસની વોચ પછી દેવાબાપાની જગ્યા પાસે બાળકને ભાગ લેવાના બહાને ફોસલાવીને બાઇક પર પોતાની વાડીએ લઈ ગયો હતો. જ્યા કુવા પાસે બાળકને મોઢે ડૂચો દઈને કુવાના ગારમા રહેલ પથ્થર સાથે માથું અથડાવીને હત્યા કરી નાખી હતી. બાદમાં સિમેન્ટના ભૂંગળા સાથે ચૂંદડી વડે બાળકના મૃતદેહને બાંધીને તેને કૂવામાં ફેંકી દીધો હતો.
ઉલ્લેખનિય છે કે વાંકાનેરમા બાળકના અપહરણ બાદ તેનો મૃતદેહ મળી આવવાના આ પ્રકરણે સમગ્ર સૌરાષ્ટ્રમાં ચકચાર મચાવી હતી. આ કેસમાં એલસીબીએ સઘન તપાસ કરીને કેસનો ભેદ ઉકેલી આરોપીને ઝડપી પાડ્યો છે. હાલ આ મામલે પોલીસે આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.
🔔🔔🔔🔔🔔🔔🔔🔔
ઝડપથી સમાચાર અને વિશેષ માહિતી મેળવવા માટે કપ્તાનના વોટસએપ ગૃપમા જોડાવો…. જોડાવા નીચેની લિંક કલિક કરો…
https://chat.whatsapp.com/DhXnhnr1AzGBytQ4BGHLIc
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક, ફોલો અને સબ્સ્ક્રાઇબ કરી શકો છો.…