જંગ જીત્યો ! ગુજરાતના પ્રથમ દર્દીએ કોરોનાને મ્હાત આપી : હોસ્પિટલમાંથી આવ્યા ઘરે
18 માર્ચે દાખલ કરાયા બાદ 16 દિવસે જંગલેશ્વરનો યુવાન ઘેર પરત : સરકારી એમ્બ્યુલન્સમાં વ્હેલી સવારે કાર્યવાહી : ઘરબહાર પોલીસ પહેરો…
રાજકોટમાં કોરોના પોઝીટીવનો પ્રથમ કેસ જંગલેશ્વરનો યુવાન સંપૂર્ણ સ્વસ્થ થઇ ગયો છે. ગઇકાલે તેનો બીજો રિપોર્ટ કરવામાં આવ્યો હતો. આ રિપોર્ટ પણ નેેગેટીવ આવતા તંત્રને મોટી રાહત થઇ છે. આ યુવાન સંપૂર્ણ સ્વસ્થ થઇ જતા સંભવિત આજે તેને રજા આપી દેવામાં આવી હતી તેવું જિલ્લા કલેક્ટર રેમ્યા મોહને કહ્યું હતું, સાથે જ ઉમેર્યું હતું કે, આમ છતાં આ યુવાનને હોમ ક્વોરન્ટાઈન કરવામાં આવશે.
આ ઉપરાંત જિલ્લા કલેક્ટર રેમ્યા મોહને ઉમેર્યું હતું કે, આ વ્યક્તિના તમામ પરિવારજનોને પણ રજા આપી દેવામાં આવી હોય તદઉપરાંત આ વ્યક્તિના ઘરબહાર પહેરો મૂકી તેને કોઇ વ્યક્તિ મળી ન શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે.
રાજકોટનાં જંગલેશ્વર વિસ્તારમાંથી ગત 18 માર્ચે કોરોનાના લક્ષણો ધરાવતો અને UAEથી આવેલ યુવાનને આઇસોલેટ કરી રિપોર્ટ કરાવાતા આ યુવાન રાજ્યમાં પ્રથમ કોરોના પોઝીટીવ જાહેર થયો હતો. આ યુવાન કોરોના પોઝીટીવ જાહેર થતાં આ યુવાનની સઘન સારવારની સાથોસાથ જંગલેશ્વર વિસ્તારમાં ડોર-ટુ-ડોર તપાસ કરી 25000 વ્યક્તિઓની તપાસ કરી કામચલાવ દવાખાના ખોલવામાં આવ્યા હતાં. આ યુવાનની સિવિલ હોસ્પિટલમાં પંદર દિવસ સુધી સતત-સઘન સારવાર કરવામાં આવી હતી અને રાત-દિવસ ચાંપતી નજર રાખવામાં આવી હતી.
આ અંગે તબીબોનાં જણાવાયા મુજબ સમગ્ર ગુજરાત અને રાજકોટમાં પ્રથમ કોરોના વાયરસ કેસ નદીમ કાસમભાઈ (રહે. જંગલેશ્વર રાજકોટ.) તેઓ ફેબ્રુઆરી માસમાં મક્કા મદીના ગયેલ હોય ત્યાંથી પરત ફર્યા બાદ તેમને તાવ, સુકી ખાસી અને શ્વાસ લેવા જેવો પ્રોબ્લેમ થતો હોય ગત 17 તારીખનાં રોજ તેમને સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા હતા. તારીખ 18નાં રોજ તેમનો રિપોર્ટ જામનગર ખાતે મોકલવામાં આવ્યો હતો. તા. 19નાં રોજ તેમનો કોરોના ટેસ્ટ પોઝીટીવ આવ્યો હતો.
ત્યારબાદ નદીમને આઇસોલેશન વોર્ડમાં રાખી ડોક્ટરની ટીમ દ્વારા સઘન સારવાર આપવામાં આવી હતી. ત્યારબાદ અલગ અલગ 5 રિપોર્ટ કરવામાં આવ્યા હતાં. જેમાં ગત તારીખ 31 અને 1લી તારીખનો રિપોર્ટ નેગેટીવ આવતાં આજે નદીમને સવારે રજા આપી દેવાઈ હતી. આ યુવાનને વીડિયો કોન્ફરન્સ દ્વારા સાઈકિયાટ્રિસ્ટ દ્વારા તેમની મનોસ્થિતિ પણ ચેક કરવામાં આવી છે. હાલ તેઓ સંપૂર્ણ સ્વસ્થ હોય તેમને રજા આપવામાં આવી છે તેમ જિલ્લા કલેક્ટર રેમ્યા મોહન અને સિવિલ અધિક્ષક ડોક્ટર મનીષ મહેતા જણાવે છે.
બીજી તરફ છેલ્લા બે દિવસ દરમિયાન રાજકોટમાં કોરોના પોઝીટીવનો એકપણ કેસ બહાર આવ્યો નથી. ગઇકાલે 13 સેમ્પલ લેવાયા હતા જે તમામ નેગેટીવ જાહેર થયા છે. આ ઉપરાંત અત્યાર સુધીમાં 165 સેમ્પલો લેવાયા હતા તે પૈકીના 155 નેગેટીવ આવ્યા છે. હાલમાં દસ પોઝીટીવની સારવાર ચાલે છે તેમાં કોઇ ભયજનક નથી.
આ દરમ્યાન રાજકોટમાં હોમ ક્વોરન્ટાઈન કરાયેલા 1609 વ્યક્તિઓ પર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે. જેમાં રાજકોટ શહેરના 1274 અને ગ્રામ્યના 335નો સમાવેશ થાય છે. સરકારી હોમ ક્વોરન્ટાઈનમાં 54 વ્યક્તિઓ નજરકેદ છે. જેમાં પથિકાશ્રમમાં 40 અને ત્રિમંદિરમાં 14નો સમાવેશ થાય છે. રાજકોટમાં આઈસોલેટેડ વ્યક્તિઓની સારવાર ચાલે છે. જ્યારે કોરોના પોઝીટીવનાં 3 દર્દી સિવિલમાં છે અને 7 ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ હોવાનું જાણવા મળેલ છે.
ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવો, આ whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..
https://chat.whatsapp.com/JdN9WKZ5unND0GqmVY3DXX
આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…