રાજકોટ: ચૌધરી ગ્રાઉન્ડમાં ડોમ બનાવી બેડ ઉભા કરવાનો પ્રયોગ સફળ
રાજકોટમાં કોરોના બેકાબૂ બની જવાને કારણે સરકારી અને ખાનગી હોસ્પિટલો દર્દીઓથી ખીચોખીચ થઈ જતાં દાખલ થવા માટે દર્દીઓએ લાંબી કતારોમાં ઉભું રહેવું પડતું હોવાથી વિકરાળ સમસ્યા ઉભી થઈ હતી. સિવિલ હોસ્પિટલમાં તો દરરોજ જેટલા દર્દીઓ દાખલ થતાં હતા તેના કરતા બમણા દર્દીઓ દાખલ થવા માટે લાઈનમાં ઉભા રહેતાં હોવાથી બિહામણા દ્રશ્યો સર્જાતાં હોવાને કારણે તંત્રએ ચૌધરી હાઈસ્કૂલના ગ્રાઉન્ડમાં ડોમ બનાવી બેડ ઉભા કરવાનો નિર્ણય લીધો હતો.
આ નિર્ણય સફળ નિવડતાં હવે વધુ દર્દીઓને અહીં દાખલ કરવાનું શરૂ કરવામાં આવ્યું છે. તંત્ર દ્વારા ચૌધરી ગ્રાઉન્ડમાં એક વિશાળ ડોમ ઉભો કરવામાં આવ્યો હતો અને તેમાં બેડ મુકવામાં આવ્યા હતા. પ્રિ-ટ્રાયલ મતલબ કે પ્રારંભીક તબક્કે અહીં 25 દર્દીઓને સારવાર આપવાનું શરૂ કરવામાં આવ્યું હતું જે ઘણી જ સફળ થઈ રહી હોવાથી હવે વધુ 50 દર્દીઓને અહીં દાખલ કરીને સારવાર આપવામા આવશે.
અહીં 100 બેડ મુકવામાં આવ્યા હતા અને તેમાં પ્રારંભે 25 દર્દીઓને દાખલ કરાયા બાદ હવે વધુ 50 દર્દીઓને દાખલ કરવામાં આવ્યા બાદ 25 બેડ બાકી રહેશે જેના ઉપર પણ ઝડપથી દર્દીઓને દાખલ કરી દેવામાં આવશે અને ત્યારપછી પણ જો વધુ જરૂર પડશે તો બેડ ઉભા કરવાની તૈયારી તંત્ર દ્વારા કરી લેવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે સિવિલ હોસ્પિટલમાં આખો દિવસ અને આખી રાત દર્દીઓ દાખલ થવા માટે આવતા હોય સિવિલ માટે તેમને ક્યાં દાખલ કરવા તેની મુસિબત સર્જાઈ હતી કેમ કે હોસ્પિટલના જે પણ વોર્ડમાં કોવિડ વોર્ડ ઉભા કરાઈ શકે તેમ હતા તે કરી દેવાયા હતા જેથી હવે એક પણ વોર્ડને કોવિડમાં તબદીલ કરી શકાય તેમ ન હોવાથી લાઈનમાં ઉભેલા દર્દીઓને ક્યાં દાખલ કરવા તેની મહામુસિબત ઉભી થવા પામી હતી.
આ સમસ્યાને ધ્યાનમાં રાખીને જ તંત્ર દ્વારા ડોમ બનાવી તેમાં બેડ ઉભા કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ બેડ ઉપર પૂરતી સંખ્યામાં ઑક્સિજન, તબીબી, નર્સિંગ સ્ટાફ સહિતની પણ વ્યવસ્થા કરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે.