રાજકોટમાં ખાડામાં પડતા યુવકના મોત મામલે સાપરાધ મનુષ્ય વધનો ગુનો દાખલ.
રાજકોટની ગાંધીગ્રામ પોલીસ દ્વારા મૃતકનાં પિતાને પોલીસે ફરિયાદી બનાવી મનપાનાં જવાબદારો સામે આકરી કલમ હેઠળ ગુન્હો દાખલ કર્યો.
રાજકોટમાં ગઇકાલે ખાડામાં પડી જતાં બાઈકસવારનું મોત થયા બાદ હવે મોટી કાર્યવાહી સામે આવી છે. વિગતો મુજબ ગઇકાલે અત્રે ગાંધીગ્રામ પોલીસ દ્વારા સાપરાધ મનુષ્ય વધનો ગુન્હો નોંધવામાં આવ્યો છે. જેમાં મૃતકનાં પિતાને પોલીસે ફરિયાદી બનાવી મનપાનાં જવાબદારો સામે આકરી કલમ હેઠળ ગુન્હો દાખલ કર્યો છે. આ સાથે હવે આ ઘટનાને લઈ વધુ તપાસ શરૂ કરી છે. મહત્વનું છે કે, ગઇકાલે સવારે રાજકોટના રૈયા રોડ પર એક ખુલ્લા ખાડામાં એક બાઇકસવાર યુવક પટકાયા બાદ તેનું મોત થયું હતું.
મહત્વનું છે કે, રાજકોટની ઘટનામાં ગઈકાલે રાત્રે મનપાનાં જવાબદારો સામે આકરી કલમ હેઠળ ગુન્હો દાખલ કર્યો છે. IPCની કલમ 304 હેઠળ ગુન્હો દાખલ કરી તપાસ શરૂ કરી છે. આ સાથે ખાડો કોણે ખોદ્યો, સુપરવિઝન કોનું , કોની જવાબદારી મામલે તપાસ શરૂ છે. જોકે હાલતો મનપાની બેદરકારીને કારણે એક યુવકના મોત બાદ પરિવાર સહિત પંથકમાં શોકનો માહોલ વ્યાપી ગયો છે.
ગઈકાલે સવારે બનેલી દર્દનાક ઘટનામાં મૃત્યુ પામેલ ઠક્કર પરિવારના એકના એક દીકરા હર્ષ અશ્વિનભાઈ ઠકકરની અંધારી વિદાયથી પરિવાર શોકમગ્ન બન્યો છે. કોર્પોરેશનનાં ખાડામાં બાઈક સાથે પડતાં મોત થયું હોવાનું સામે આવતા હવે મનપાની બેદરકારી સામે પણ સવાલો ઊભા થાય છે. જો કદાચ આ ખાડા પાસે કોઈ બેરીકેટ હોત તો કદાચ આ યુવકનો જીવ ન ગયો હોત.