Placeholder canvas

માળીયા નજીક પીપળીયા ચાર રસ્તા પાસે ટ્રક ચાલકની હત્યા કરનાર ક્લીનર પકડાયો

પૈસા આપવાની તેમજ ઘરે જવાની ના પાડતા ક્લીનરે જ ટ્રક ચાલકને પતાવી દીધાનો ઘટસ્ફોટ

મોરબી : માળીયા નજીક પીપળીયા ચાર રસ્તા પાસે બંધ ટ્રકમાંથી ડ્રાઇવરનો મૃતદેહ મળી આવ્યા બાદ પોલીસની તપાસમાં આ ટ્રક ચાલકની હત્યા થઈ હોવાનું અને ક્લીનરે જ આ હત્યા કરી હોવાનું ખુલ્યું હતું. આથી હાલ પોલીસે આરોપી ક્લીનરને પકડી લઈને પૂછપરછ કરતા આરોપી એવી કબૂલાત આપી હતી કે, તેને પૈસા જોઈતા હોય અને ઘરે પણ જવું હોય પણ ટ્રક ચાલક ના પાડતા ઉશ્કેરાયેલા ક્લીનરે ટ્રક ચાલકને પતાવી દીધો હતો.

આ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર 2 દિવસ પહેલા મોરબી નવલખી તેમજ જામનગર અમદાવાદ હાઇવેને જોડતા માળીયાના પીપળીયા ચાર રસ્તા નજીકથી ગુરુવારે સવારે ટ્રકની કેબિનમાંથી હત્યા કરાયેલી હાલતમાં એક વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો હતો. ઘટનાની જાણ થતાં માળિયા પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને મૃતદેહ માળીયા સિવિલમાં પીએમ અર્થે મોકલ્યો હતો અને તપાસનો દૌર ચલાવતા મૃતક લેરાજી ચમનજી બલોધણાની ઓળખ થઈ હતી. જેથી તેમના પરિવારજનોને જાણ કરવામાં આવી હતી. જ્યાં મૃતકના મોટાભાઈએ કંડક્ટર દિનેશભાઇ વરસંગભાઇ રજપુત વિરુદ્ધ ફરિયાદ દાખલ કરતા જણાવ્યું હતું કે, તેણે જૂની અદાવતનો ખાર રાખી લેરાજીની હત્યા કરી છે.

માળીયા પોલીસે આ હત્યાની શંકાના આધારે સઘન તપાસ ચલાવતા આરોપી માળીયાથી સામખીયાળી તરફ જતા કે.જી.એન. હોટેલે હોવાની બાતમી મળી હતી. માળીયા પોલીસે તુરંત જ ત્યાં પહોંચી આરોપી દિનેશભાઇ વરજાગભાઈ બોડાણાને ઝડપી લીધો હતો. પોલીસની પૂછપરછમાં આરોપીએ એવી કબૂલાત આપી હતી કે, તેણે મૃતક પાસે પૈસા માંગ્યા હતા. પણ ટ્રક ચાલકે પૈસા આપ્યા ન હતા અને ક્લીનરને થોડા દિવસો પછી ઘરે જવું હોય એ બાબતે પણ ઝઘડો થયો હતો. આથી ગુસ્સે થઈ જતા ક્લીનર અને ટ્રક ચાલક વચ્ચે ઝઘડો થયો હતો બાદમાં ક્લીનરે ટ્રકની કેબિનમાં રહેલા વહીલના પાનાથી ટ્રકના ડ્રાઇવરને માથે જીવલેણ ઘા મારી તેનું ઢીમ ઢાળી દીધું હતું. બાદમાં કોઈને ખબર ન પડે તે રીતે ટ્રક ચાલકને મૃત હાલતમાં ટ્રકની કેબિનમાં પડતો મૂકી નાસી છૂટ્યો હતો. પણ લાંબા સમય સુધી ટ્રક બંધ હાલતમાં રહેતા લોકોએ તપાસ કરતા આ હત્યાનો બનાવ બહાર આવ્યો હતો અને પોલીસ હત્યાના મૂળ સુધી પહોંચીને આરોપીને દબોચી લીધો હતો.

આ વીડિયો ખાસ જુવો…

આ સમાચારને શેર કરો