ગુજરાતના APL-1 કાર્ડધારકોને 13થી 17 એપ્રિલ દમિયાન વિનામૂલ્યે અનાજ વિતરણ થશે

કોરોન વાયરસ સામે લડવા માટે સમગ્ર દેશમાં લોકડાઉન ચાલું છે ત્યારે ગુજરાત સરકાર પણ લોકડાઉનમાં લોકોનું ધ્યાન રાખી રહી છે. મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની અધ્યક્ષતામાં 8 એપ્રિલે મળેલી વિડીયો કોન્ફરન્સીંગ કેબિનેટ બેઠકમાં રાજ્યના 60 લાખથી વધુ APL-1 રેશન કાર્ડધારકો-મધ્યમવર્ગીય પરિવારોને એપ્રિલ માસ પૂરતું વિનામૂલ્યે અનાજ વિતરણનો નિર્ણય કરવામાં આવ્યો હતો. આ પ્રજાહિતલક્ષી નિર્ણયના પગલે હવે, રાજ્યભરમાં આગામી તા. 13 એપ્રિલ-2020થી 17 હજાર જેટલી સરકાર માન્ય સસ્તા અનાજની દુકાનો પરથી 60 લાખ APL-1 કાર્ડધારકો એટલે કે 2.50 થી 3 કરોડ જેટલા મધ્યમવર્ગીય લોકોને વિનામૂલ્યે અનાજ વિતરણનો પ્રારંભ કરવામાં આવશે.

પ્રવર્તમાન લોકડાઉન અને કોરોના વાયરસની પરિસ્થિતીમાં આવા અનાજના વિતરણ દરમ્યાન ભીડભાડ ન થાય, સોશિયલ ડિસ્ટન્સ જળવાઇ રહે અને સૌને પૂરતું અનાજ મળી રહે તેવી વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવા મુખ્યમંત્રીએ સ્પષ્ટ તાકીદ કરી છે. આ હેતુસર રાજ્યમાં અનાજ વિતરણ વ્યવસ્થામાં સરળતાથી જળવાઇ રહે તે માટે ગ્રામ્ય અને શહેરી કક્ષાએ દુકાનદીઠ એક-એક સમિતીની રચના કરવામાં આવશે. આ સમિતીમાં શિક્ષક, તલાટી કે ગ્રામસેવક, પોલીસ અને સ્થાનિક અગ્રણીનો સમાવેશ કરવામાં આવશે તેમ મુખ્યમંત્રીના સચિવે ઉમેર્યુ હતું. આ સમિતીએ સોશિયલ ડિસ્ટન્સીંગ જળવાય, વિતરણની સુચારૂ વ્યવસ્થા અને સાચા લાભાર્થીઓને કોઇ પણ જાતની અવ્યવસ્થા વગર અનાજ મળી રહે તે માટે તમામ કાર્યવાહી કરવાની રહેશે.

APL-1 કાર્ડધારકોએ પોતાના કાર્ડ સાથે આધાર કાર્ડ પણ લઇ જવાનું રહેશે તથા સરકાર માન્ય સસ્તા અનાજના દુકાનધારકે વિતરણ વ્યવસ્થાનું રજીસ્ટર નિભાવવાનું રહેશે તેવા દિશાનિર્દેશો પણ મુખ્યમંત્રીએ અન્ન નાગરિક પુરવઠા વિભાગને આપેલા છે. આ અનાજ વિતરણ વ્યવસ્થા સરળતાથી કાર્યરત રહે તે માટે પાંચ દિવસ એટલે કે તા. 13 એપ્રિલથી 17 એપ્રિલ દરમ્યાન રેશનકાર્ડના પાછલા આંકડાની સંખ્યા મુજબ અનાજ વિતરણના દિવસો નિર્ધારીત કરવામાં આવ્યા છે.

તદ્દઅનુસાર, NFSAમાં સમાવિષ્ટ ન હોય તેવા APL-1 રેશનકાર્ડ ધારકોના કાર્ડના છેલ્લા અંક-આંકડા નંબર 1 અને 2 છે તેમને તા. 13 એપ્રિલ-2020, જેમના રેશનકાર્ડના છેલ્લા આંકડા 3 અને 4 હોય તેમને તા. 14 એપ્રિલ-2020, જેમના રેશનકાર્ડના છેલ્લા આંકડા 5 અને 6 હોય તેને તા. 15 એપ્રિલ2020, જેમના રેશનકાર્ડના છેલ્લા આંકડા 7 અને 8 હોય તેમને તા. 16/4/2020 તેમજ. જેમના રેશનકાર્ડના છેલ્લા આંકડા 9 અને 0 હોય તેમને તા. 17 એપ્રિલ-2020ના દિવસે અનાજ વિતરણ વિનામૂલ્યે કરવામાં આવશે. મુખ્યમંત્રીના સચિવ અશ્વિની કુમારે સ્પષ્ટપણે જણાવ્યું કે, APL-1 કાર્ડધારકો તેમના રેશનકાર્ડના છેલ્લા આંકડા મુજબ જે તારીખો-દિવસો ફાળવાયા છે તે જ દિવસે સસ્તા અનાજની દુકાને અનાજ લેવા માટે જાય તે આવશ્યક અને પ્રવર્તમાન સ્થિતીમાં સુરક્ષિત પણ છે.

તેમણે એમ પણ ઉમેર્યુ કે, અનિવાર્ય સંજોગોના કારણે જો કોઇ APL-1 કાર્ડધારક આ પાંચ દિવસ દરમ્યાન અનાજ વિતરણનો લાભ ન મેળવી શકે તો એવા લાભાર્થીઓને તા. 18 એપ્રિલ-2020ના દિવસે અનાજ વિતરણ કરવામાં આવશે. જેથી જે-તે દિવસે જો કોઇ લાભાર્થી અનાજ ન મેળવી શકે તો બીજા દિવસે દુકાને નહિ જઇને તા. 18મી એ જ પોતાનું અનાજ મેળવવાનું રહેશે.

આ સમાચારને શેર કરો