Placeholder canvas

ગુજરાતમાં હવા ઝેરી બની રહી છે , પીએમ-2.5 નું પ્રદૂષણ મુખ્ય કારણ

ગુજરાતના મહાનગરો વિસ્તરવાની સાથે પ્રદુષણનો બેફામ વિકાસ થઈ રહ્યો છે. આજે સી.પી.સી.બી. મૂજબ ગત ચોવીસ કલાકમાં એર ક્વોલિટી ઈન્ડેક્સ 179 રહ્યો છે અને આજે સાંજે 8 વાગ્યે એન.સી.ડી.સી.મૂજબ અમદાવાદ, ગાંધીનગર અને સુરતમાં અનુક્રમે 185, 187 અને 188 રહ્યો છે. ઉપરાંત રાજકોટમાં મ્યુનિ.સેન્સરોમાં નોંધાયા મૂજબ મોટાભાગના ચોકમાં 100ને પાર અને ક્યાંક તે 200ને આંબી જાય છે.

હવામાં રહેલા ફાઈન પાર્ટીકલ્સ અર્થાત્ સીધા શ્વાસ મારફત ફેફસાંમાં પહોંચે તેવા અતિ બારીક 2.5 માઈક્રોન (0.0025 MM) કણોથી આ પ્રદુષણ ફેલાય છે. આ પ્રદુષણ હોય તેની સાથે પીએમ-10 કહેવાતું પ્રદુષણ હોય છે. આ પ્રદુષણ ગેસોલીન, ઓઈલ, ડીઝલ ફ્યુલ વગેરે સળગવાથી તેમજ સુકા કચરો સળગતા, ફટાકડા ફૂટવાથી અને સુકા હવામાનમાં અત્યંત બારીક થયેલી રજકણો પવનથી ઉડવાથી ફેલાય છે. ચોમાસા વખતે ભેજકણોના ભાર તણે આ પ્રદુષણ હવામાં ઘટી જાય છે અને હાલ સુકા હવામાનમાં તે વધતું હોય છે.

રાજ્યમાં હવે શુધ્ધ હવાની તંગી સર્જનાર આ પ્રદુષણ માટે વાહનોમાં અને ટ્રાફિકમાં નિરંકુશ વધારો, સાથે શહેરોમાં વૃક્ષો, ગ્રીન બેલ્ટમાં ઘટાડો (કાગળ પર કૂલ વૃક્ષો વધુ હોય પણ તે શહેરથી દૂર હોય), સરકારના જીડીસીઆરના પ્રતાપે શહેરી ગીચતા, સીમેન્ટ કોંક્રિટના જંગલમાં વધારો, ટ્રાફિક જામથી હવામાં સતત છોડાતો ઝેરી ધુમાડો મુખ્ય કારણભૂત છે.

જનસ્વાસ્થ્ય ઉપરાંત જીવસૃષ્ટિના જીવન પર ખતરો સર્જતી આ બાબત હોવા છતાં સરકારી તંત્ર તે બાબતમાં પછાત છે. કેન્દ્રીય પ્રદુષણ નિયંત્રણ બોર્ડમાં જારી થતા એ.ક્યુ.આઈ. માત્ર અમદાવાદ, ગાંધીનગર, સુરતના જ જાહેર થાય છે. મોટાભાગના શહેરોમાં અન્ય ખાનગી એજન્સીઓ પ્રદુષણની માત્રા બહાર પાડે છે પરંતુ, આ માટે કેન્દ્રીત વ્યવસ્થા નથી. જ્યારે સમસ્યાની ખબર જ નથી ત્યારે તેના ઉકેલની દિશામાં કેવુંક કામ થતું હશે તે કલ્પી શકાય છે. રાજકોટમાં સેન્સરો મુક્યા છે તે મોટાભાગના બંધ હોય છે અથવા વિગતો આપી શકતા નથી.

પીએમ- 2.5અને 10 પ્રદુષણથી સાજાનરવાં નાગરિકને પણ હૃદયરોગ, ફેફસાંના રોગો, અસ્થમા સહિત રોગનો ખતરો સર્જાય છે અને રોગીની હાલત વધુ ગંભીર બને છે.તેનાથી બચવા… (1) ગીચ,ભીડવાળી જગ્યાએ હઈસો હઈસો કરીને જવાનું ટાળવું. (2) આવી જગ્યાએ જવું પડે તો એન 95 માસ્ક પહેરવું. (3) સતત રહેવાનુ હોય તે ઘર ઓફિસ આસપાસ વૃક્ષો વાવવા અને હોય તો જાળવવા. (4) સવારે યોગાસન,પ્રાણાયામથી મહત્તમ શુધ્ધ હવા શ્વાસમાં લેવી. (5) વ્યક્તિગત સ્વચ્છતા રાખવી. આરોગ્યપ્રદ આહાર-વિહારથી ઈમ્યુનિટી વધારવી.

આ સમાચારને શેર કરો