મોરબી: લજાઈ ગામે ગ્રામ પંચાયત ઓફિસને તાળાબંધીનો પ્રયાસ!: તલાટીની ફરજમાં રુકાવટની ફરિયાદ
મોરબી નજીકના લજાઇ ગામે આવેલ ગ્રામ પંચાયતની ઓફિસમાં મહિલા તલાટીમંત્રી કામ કરી રહ્યા હતા ત્યારે ગામના જ બે શખ્સો અને કેટલીક મહિલાઓ પંચાયતે આવી હતી અને તેમના દ્વારા ગ્રામ પંચાયતને તાળાબંધી કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો જેમની મહિલા તલાટીએ ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ફરજમાં રૂકાવટ સહિતની કલમ હેઠળ બે શખ્સોની સામે ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરેલ છે.
આ બનાવની મળેલ માહિતી મુજબ લજાઇ ગ્રામ પંચાયતમાં તલાટી કમ મંત્રી તરીકે ફરજ બજાવતા પૂજાબેન ગણેશભાઈ ભેસદડીયા (ઉંમર ૨૨) ગઈકાલે તેઓની પંચાયત ઓફિસની અંદર બેઠા હતા ત્યારે ગામના પંકજભાઈ દયારામભાઈ મસેત અને અમૃતભાઈ અલાભાઈ ચાવડા સહિત કેટલીક મહિલાઓ પંચાયત ઓફિસે આવી હતી અને “કેમ સો વારીયા પ્લોટના ફાળવણી કરવામાં આવતી નથી” તેવો સવાલ કરીને તલાટી સાથે બોલાચાલી કરી હતી ત્યારબાદ મહિલા અને પુરુષોએ પંચાયત ઓફિસને તાળા બંધી કરવાની કોશીષ કરી હતી જેથી કરીને તલાટી કમ મંત્રી તરીકે ફરજ બજાવતા પૂજાબેન ગણેશભાઈ ભેસદડીયા દ્વારા બે શખ્સોની સામે ફરીયાદ નોંધાવવામાં આવતા પોલીસે ફરજમાં રૂકાવટ સહિતની કલમ હેઠળ ગુનો નોંધીને આરોપીને પકડવા તજવીજ હાથધરી છે.