રાજકોટ: સિવિલ હોસ્પિટલ ચોકમાં બાબાસાહેબની પ્રતિમા સાથે કાંકરીચાળાનો પ્રયાસ
રાજકોટ: શહેરના સિવિલ હોસ્પિટલ ચોકમાં ડો.બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા સાથે કોઈ ટીખળખોરે કાંકરીચારો કરવાની કોશીશ કરી હતી. તેની જાણ થતા પોલીસ કાફલો અહીં દોડી આવ્યો હતો. પોલીસે હોસ્પિટલ ચોક તેમજ આસપાસના સીસીટીવી ફૂટેજ ચકાસી આ ટીખળખોરને ઓળખી કાઢવા તપાસ હાથ ધરી છે. જો કે કોઈ અનઈચ્છનીય ઘટના ન બને તે માટે અહીં બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
આ અંગે જાણવા મળતી વિગત મુજબ આજરોજ વ્હેલી સવારના પાંચ વાગ્યાની આસપાસ સિવિલ હોસ્પિટલ ચોકમાં આવેલી ડો.બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા સાથે કોઈ ટીખળખોર દ્વારા વિકૃત આનંદ સંતોષવા પ્રતિમા સાથે કાંકરીચાળો કરવાનો પ્રયાસ કર્યો હતો. આ વાતની જાણ થતા ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈ એ ડીવીઝન પોલીસ મથકનો સ્ટાફ તેમજ એસઓજીની ટીમ અને કયુઆરસી સહિતનો સ્ટાફ તાકીદે અહીં દોડી આવ્યો હતો.
પોલીસ દ્વારા સિવિલ હોસ્પિટલ ચોક તેમજ અહીંના આસપાસના વિસ્તારના સીસીટીવી કેમેરાના ફૂટેજ કઢાવી તેના આધારે આ વિકૃત આનંદ માણનાર ટીખળખોરને ઓળખી કાઢવા અને તેને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે. બીજી તરફ આ ઘટનાના પગલે અઘટીત ઘટના ન બને તે માટે સિવિલ હોસ્પિટલ ચોકમાં પોલીસનો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.