skip to content

ધો. 9 અને 11 માં નાપાસ થયેલ વિદ્યાર્થીઓને પરિણામ સુધારવાની તક અપાશે.

વિદ્યાર્થીઓને પરિણામ સુધારવાની તક આપવાની જોગવાઇ નવી શિક્ષણ નિતીમાં હોય ધો.૯ અને ૧૧માં નાપાસ થયેલ વિદ્યાર્થીઓને વર્ગ બઢતી આપવા ચોક્કસ નિયમો જાહેર કરાયા છે અને પૂનઃ પરિક્ષા શાળા કક્ષાએ લઇ તેના પરિણામને ધ્યાને લઇ વર્ગ બઢતીનો લાભ વર્ષ ૨૩-૨૪થી જ આપવા ઠરાવાયું છે.રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-૨૦૨૦માં વિદ્યાર્થીને પરિણામ સુધારવા માટેની તક મળે તેવી જોગવાઇ કરવા જણાવેલ છે. જે બાબતને લઇને તા.૭-૬ના રોજ મળેલ બોર્ડની શૈક્ષણિક સમિતિમાં સંદર્ભ દર્શિત ઠરાવથી વિદ્યાર્થીઓના હિતમાં કરવામાં આવેલ નિર્ણય મુજબ હાલના વર્ગબઢતીના નિયમોમાં ધોરણ-૯ માટે ધોરણ-૧૧ માટે નિશ્ચિત કરવામાં આવી હતી.

જે વિદ્યાર્થી જે શૈક્ષણિક વર્ષની વાર્ષિક પરીક્ષાના પરિણામમાં જે વિષયોમાં નાપાસ થયેલ હોય તેવા વિદ્યાર્થી માટે શાળા કક્ષાએ તે વિષયોની પૂનઃ પરીક્ષા ત્યાર પછીના શૈક્ષણિક વર્ષની શરૂઆતના ૧૫ દિવસમાં લેવાની રહેશે. વિદ્યાર્થીની પુનઃ પરીક્ષાના પરિણામના આધારે વિદ્યાર્થીને વર્ગબઢતી આપવાની રહેશે.ધોરણ ૯ અને ધોરણ-૧૧ના વર્ગબઢતીના સુધારેલ નિયમોની જોગવાઇ શૈક્ષણિક વર્ષ ૨૦૨૩-૨૪થી લાગુ કરેલ હોઇ શૈક્ષણિક વર્ષ ૨૦૨૩-૨૪માં ધોરણ ૯ અને ધોરણ ૧૧ની વાર્ષિક પરીક્ષાના પરિણામમાં નાપાસ થયેલ વિદ્યાર્થીઓ માટે પુનઃ પરીક્ષા શાળા કક્ષાએ તા.૨૯-૬ સુધીમાં લઇને તેના પરિણામના આધારે વિદ્યાર્થીને વર્ગબઢતી આપવાનું ઠરાવાયું છે.ધોરણ ૯ માટે એકંદરે ૩૩%થી વધુ ગુણ મેળવનારને દરેક ટકા દીઠ ૧ ગુણ અને વધુમાં વધુ ૧૫ ગુણની મર્યાદામાં રહીને પાસ થવા માટે ખુટતા ગુણ આપી શકાશે. જેને સિધ્ધિ ગુણ કહેવાશે. તેને વત્તાની નિશાની કરી અલગ દર્શાવાશે. તો એક કે તેથી વધુ વિષયમાં નાપાસ થનાર વિદ્યાર્થીને ઉપલા ધોરણમાં બઢતી મળી શકે તે માટે આચાર્ય કુલ ૧૦ કૃપા ગુણની મર્યાદામાં ખૂંટતા જરૂરી ગુણ આપી શકશે. જેને વત્તાની નિશાની કરી દર્શાવાના રહેશે. આવા વિદ્યાર્થી રેન્કને પાત્ર રહેશે નહી. જ્યારે ધો.૧૧માં જે પ્રાયોગિક પરીક્ષામાં ૧૭થી ઓછા ગુણ હશે તો ધો.૧૨માં વર્ગ બઢતી મળી શકશે નહી અને આ બઢતીમાં પણ આચાર્ય ૧૦ કૃપા ગુણ આપી શકે છે. આમ ધો.૯ અને ધો.૧૧માં નાપાસ થયેલ વિદ્યાર્થીને વર્ગ બઢતીનો લાભ આપવા નિયમો નિશ્ચિત કરાયા છે અને બોર્ડ દ્વારા જાહેર પણ કરી દેવાયા છે. જેનો અમલ વર્ષ ૨૩-૨૪થી લાગુ કરાયો છે.

આ સમાચારને શેર કરો