Placeholder canvas

આજથી નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ, સરકારી અને ખાનગી ઓફિસો ધમધમશે

ગુજરાત સહિત સમગ્ર દેશમાં કોરોના મહામારીએ હાહાકાર મચાવ્યો છે. ત્યારે કોરોનાની બીજી લહેર નો સામનો કરવા તેમજ કોરોના સંક્રમણને અટકાવવા માટે રાજ્ય સરકાર દ્વારા કેટલાક પગલાં લેવામાં આવ્યા હતા. જેમાં કોરોના ગાઈડલાઈનનું કડક પાલન, રાત્રી કર્ફ્યૂ, મીની લોકડાઉન જેવા મહત્વના પગલાં લેવામાં આવ્યા હતા. જો કે, રાજ્યમાં ફરી કોરોના કેસમાં ઘટાડો નોંધાતા સરકાર દ્વારા લોકોને થોડી રાહત આપવામાં આવી છે. 

આજથી નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થશે અને આ ઉપરાંત 7 મી જૂનથી એટલે કે આજથી રાજ્ય સરકારની તમામ કચેરીઓ તેમજ ખાનગી ક્ષેત્રની ઓફિસો 100 ટકા સ્ટાફની હાજરી સાથે રાબેતા મુજબ કામકાજ કરી શકશે.  જ્યારે અમદાવાદમાં AMTS અને BRTS બસ સેવાઓ ફરી શરૂ કરવામાં આવી રહી છે.  

કોરોના કાળ વચ્ચે ફરી રાજ્યમાં નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થઈ રહ્યો છે. 7 જૂન સોમવારથી ગુજરાતભરમાં નવા શૈક્ષણિક સત્ર 2021-2022ની શરૂઆત થઈ રહી છે. કોરોના મહામારી વચ્ચે ફરીથી ઓનલાઇન શિક્ષણની શરૂઆત થશે. મહત્વનું છે કે આ વર્ષે કોરોનાને કારણે ધોરણ 1થી 12ની તમામ પરીક્ષાઓ રદ્દ કરી દેવામાં આવી છે. બધા વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપી દેવામાં આવ્યા છે. રાજ્યમાં કોલેજોમાં પણ સોમવારથી નવા સત્રની શરૂઆત થશે. 

ઓનલાઇન ક્લાસ સાથે શરૂ થશે નવું સત્ર
ગુજરાત માં આજથી ઓનલાઇન શિક્ષણ સાથે નવા સત્રનો પ્રારંભ થઈ રહ્યો છે. રાજ્યમાં સોમવારથી 100 ટકા કર્મચારીઓ સાથે શાળાઓ શરૂ થશે. શિક્ષણ વિભાગે એકપણ વિદ્યાર્થીને શાળાએ ન બોલાવવાની તાકીદ કરી છે. રાજ્યમાં ધોરણ-10ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવ્યું છે પરંતુ હજુ તેનું પરિણામ આવ્યું નથી. એટલે ધોરણ-11ના ઓનલાઇન વર્ગો સોમવારથી શરૂ થશે નહીં. 

કોલેજો પણ શરૂ થશે
રાજ્યભરની કોલેજોમાં પણ સોમવારથી નવા શૈક્ષણિક સત્રની શરૂઆત થઈ રહી છે. સેમેન્ટર 3 અને 5ના વર્ગો સોમવારથી ઓનલાઇન શરૂ થવાના છે. આ સાથે અન્ય કોલેજો પણ ઓનલાઇન રાબેતા મુજબ પોતાના અભ્યાસક્રમની શરૂઆત કરશે. શાળાની જેમ તમામ કોલેજોમાં હાલના સમય માટે ઓનલાઇન શિક્ષણ આપવામાં આવશે. રાજ્યની કોલેજોમાં 1 નવેમ્બરથી 13 દિવસનું દિવાળી વેકેશન રહેશે. 

AMTS અને BRTS બસો દોડશે
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સોમવારથી અમદાવાદ શહેરમાં AMTS અને BRTS બસ સેવાઓ ફરી શરૂ કરવામાં આવી રહી છે. કોરોના મહામારીને કારણે ગત માર્ચ મહિનામાં આ બસ સેવાઓ બંધ કરવામાં આવી હતી. છેલ્લા 3 મહિનાથી બંધ બસ સેવાઓ પુન: શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જો કે, આ બસ સેવા સવારે 6 થી રાત્રે 8 વાગ્યા સુધી જ ચાલુ રાખવામાં આવશે.

બધા ટર્મિનલ પર ગનથી ટેમ્પરેચર ચકાસણી, માસ્ક ફરજિયાત રહેશે. બસમાં મુસાફરો વધે તો લોકોને સમજાવીશું. સોમવારે હાલ જે બસની કુલ સંખ્યા છે તેની 50 ટકા બસ તમામ રૂટ પર શરૂ થશે. બસ સવારે 6 થી રાત્રે 8 વાગ્યા સુધી ચાલશે. દરેક વ્યક્તિએ માસ્ક ફરજિયાત પહેરેલું હોવું જોઈએ, કોઈ કર્મચારી જો થૂંકતા કે માસ્ક વગર પકડાશે તો રૂપિયા 200 નો દંડ વસુલવામાં આવશે.

36 શહેરો ધબકતા ફરી ધબકતા થયા
રાત્રિ કરફ્યૂ (curfew) દરમિયાન ગુજરાતના 36 શહેરોમાં સવારે 9 થી બપોરે 3 વાગ્યા સુધી જ દુકાનો અને ધંધા ખૂલવાની છૂટછાટ હતી. પરંતુ 4 જૂનથી આ નિયમમાં છૂટછાટ આપવામાં આવી હતી. ગુજરાત સરકારે કરફ્યૂના સમયમાં કરેલા ફેરફાર મુજબ, 4 જૂનથી સવારે 9 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી દુકાનો અને વ્યાપારિક ગતિવિધિઓ શરૂ કરવાનો નિર્ણય કર્યો હતો. આમ, લાંબા સમય બાદ ગુજરાતમાં વ્યાપારિક ગતિવિધિઓ શરૂ થઇ ગઇ છે, અને ગુજરાતનું જનજીવન રાબેતા મુજબ ધબકતુ થવા લાગ્યું છે. આ અમલ 11 જૂન સુધી રહેશે. 

આ સમાચારને શેર કરો