Placeholder canvas

ધો.10ની પરીક્ષામાં પહેલા દિવસે જ શિક્ષણ બોર્ડે વાટ્યો ભાંગરો !!

બરકત વીરાણીના મુક્તકને રઈશ મણિયારના નામે છાપ્યું

ગુજરાતની ભાજપ સરકારમાં લેવાતી કોઈપણ પરીક્ષા વિના વિવાદે પૂર્ણ થાય તેવું લગભગ બનતું નથી ! આ વિવાદ, છબરડા કરવાનું હવે તેમને કોઠે પડી ગયું એવું લાગે છે !! ગઈ કાલથી શરૂ થયેલ ધોરણ 10ની બોર્ડની પરીક્ષામાં પહેલા દિવસે જ લાખો વિદ્યાર્થીઓને 4 ગુણનું નુકસાન થયું છે. જેના કારણે શિક્ષણ બોર્ડ સામે અનેક સવાલો ઉઠ્યા છે. ગુજરાતીના પેપરમાં બરકત વીરાણીનું મુક્ત રઈશ મણિયારના નામે પૂછાતાં વિદ્યાર્થીઓને મળેલો 4 ગુણનો વિકલ્પ છીનવાયો છે. ધોરણ 10ની પરીક્ષામાં પહેલા દિવસે જ ગુજરાત શિક્ષણ બોર્ડે મોટો ભાંગરો વાટીને લાખો વિદ્યાર્થીઓનું ટેન્શન વધારી દીધું છે. ધોરણ 10 બોર્ડની પરીક્ષાનું ગુજરાતીનું પેપર કાઢનારા પેપર સેટરે 4 ગુણના પ્રશ્નમાં મોટો છબરડો વાળ્યો છે. 

SSC બોર્ડની પરીક્ષાનું પેપર કાઢનારા શિક્ષકે બરકત વીરાણીના મુક્તકને રઈશ મણિયારના નામે છાપ્યું છે જેના કારણે લાખો વિદ્યાર્થીઓ પહેલા પેપરમાં જ પોતાને મળેલા વિકલ્પથી વંચિત રહી ગયા છે. જ્યારે કે આ ભૂલ સ્પષ્ટપણે પેપર સેટર અને ગુજરાતનું પેપર ક્રોસ ચેક કરનારા તજજ્ઞોની છે. ધોરણ 10ના ગુજરાતીના પેપરમાં પેપરમાં પ્રશ્ન પૂછવામાં આવ્યો છે કે ‘સફળતા જિંદગીની હસ્તરેખામાં નથી હોતી…’ માં રઈશ મણિયાર શુ કહેવા માંગે છે?

વિદ્યાર્થીઓએ જ્યારે આ સવાલ જોયો ત્યારે તેઓ ખુદ અસમંજસમાં મુકાઈ ગયા કેમ કે, ‘સફળતા જિંદગીની હસ્તરેખામાં નથી હોતી…’ મુક્તક બેફામ ઉપનામથી જાણીતા બરકત વીરાણીનું છે અને પેપર કાઢનારા તજજ્ઞોએ આ મુક્ત રઈશ મણિયારના નામે ચડાવી દીધું છે. બોર્ડની પરીક્ષામાં વિદ્યાર્થીઓ માટે દરેક ગુણ મહત્વનો હોય છે ત્યારે શિક્ષણ બોર્ડે ચાર ગુણનો સવાલ ભૂલભરેલો પૂછીને લાખો વિદ્યાર્થીઓને તેમના વિકલ્પથી વંચિત રાખી દીધા છે. 

શું ગુજરાત શિક્ષણ બોર્ડ આ ચાર ગુણની સ્પષ્ટતા કરશે. જો વિદ્યાર્થીઓથી ભૂલ થાય તો તેમને ગુણ કપાતની સજા મળે છે, શું પેપર કાઢનારા મહાશયોને શિક્ષણ બોર્ડ કોઈ એવી સજા આપશે. જેથી લાખો વિદ્યાર્થીઓનું ચાલુ પરીક્ષામાં ફરીથી ક્યારેય ટેન્શન ના વધે અને તેઓ 100 ગુણના પેપરમાં 4 ગુણથી વંચિત ના રહી જાય.

આ સમાચારને શેર કરો