Placeholder canvas

મૂળ વાંકાનેરના અને હાલ મુંબઈ રહેતા વયોવૃદ્ધ દંપતિને મૃત દર્શાવી વાંકાનેરમાં કરોડોની જમીન વેંચી મારી.

વાંકાનેર : વાંકાનેર શહેરમાં આવેલી કરોડોની કિંમતી 30 એકર જેટલી ખેતીની અલગ અલગ નવ સર્વે નંબરની જમીનના વયોવૃદ્ધ માલિક જીવિત હોવા છતાં ભેજાબાજ ભુમાફિયાઓએ સરકારી તંત્ર સાથે સાઠગાંઠ કરી અમદાવાદની બે મહિલાઓને જમીન માલિકની પુત્રી દર્શાવી ખોટા વારસાઈ આંબા બનાવી રાજકોટના શખ્સને વેચાણ કરી દેવામાં આવી હોવા અંગેની ચોંકાવનારી ફરિયાદ મુંબઈ રહેતા મૂળ માલિકે વાંકાનેર સીટી પોલીસ મથકમાં નોંધાવતા પોલીસે પાંચ આરોપીઓના નામ જોગ અને તપાસમાં જે ખુલે તે તમામ આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધી જમીન કૌભાંડની તપાસ શરૂ કરી છે.

આ બનાવની મળેલી માહિતી મુજબ મૂળ વાંકાનેર શહેરના દીવાનપરામાં રહેતા અને ધંધાર્થે વર્ષોથી મુંબઈ સ્થાયી થયેલા રજનીકાન્ત શાન્તીલાલ સંઘવી ઉ.92 રહે.36/9 હેમકુંજ એમ-લોટરીકર માર્ગ અરોરા સીનેમાની પાછળ કીંગ સર્કલ માટુંગા (ઇસ્ટ) મુંબઇ વાળા વાંકાનેર શહેરના રેવન્યુ સર્વે નં. (૧) રે.સ.નં. ૧૦/૨ પૈકી ૨ તથા (૨) રે.સ.નં. ૧૨ પૈકી ૧ તથા (૩) રે.સ.નં. ૧૨ પૈકી ૨ તથા (૪) રે.સ.નં. ૧૮ પૈકી ૧ તથા (૫) રે.સ.નં. ૧૮ પૈકી ૨ તથા (૬) રે.સ.નં. ૧૯ તથા (૭) રે.સ.નં. ૨૦ તથા (૮) રે.સ.નં. ૨૫/ ૧ પૈકી ૪ તથા (૯) રે.સ.નં. ૨૫/ ૧ પૈકી ૬ ની અંદાજે 30 એકર જેટલી કરોડો રૂપિયાની જમીન ધરાવે છે અને માણસો રાખી ખેતીની આ જમીનની સંભાળ રાખે છે.

પરંતુ થોડા સમય પહેલા તેઓ વાંકાનેર લગ્નપ્રસંગમાં આવતા સંબંધિત મારફતે તપાસ કરતા ધ્યાને આવ્યું હતું કે તેઓ પોતે રજનીકાંતભાઈ અને તેમના પત્નીનું સાચું નામ કુસુમબેન હોવા છતાં વર્ષ 2000માં કુસુમબેન અને વર્ષ 2005માં રજનીકાંતભાઈનું અવસાન થયું હોવાંના ખોટા પ્રમાણપત્ર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાંથી મેળવી અમદાવાદની ભેજાબાજ મહિલા મોનાબેન રજનીકાન્ત મહેતા વા/ઓ રાજેશભાઇ મહેતા રહે.બાબુ લઠાની ચાલી કાલુપુર અમદાવાદ (૩) કુસુમબેન રજનીકાન્ત મહેતા વા/ઓ રમેશકુમાર દતાણી રહે.ઉર્દુ સ્કુલ સામે, કામદાર મેદાન પાસે,ગોમતીપુર અમદાવાદ પોતે રજનીકાંતભાઈની સીધી લીટીના વારસદાર પુત્રી હોવાનું ખોટું સોગંદનામું તેમજ વારસાઈ આંબો મેળવી વાંકાનેરની કરોડો રૂપિયાની કિંમતી જમીન પોતાના નામે કરી લીધી હતી.

દરમિયાન જમીનના સાચા માલિક રજનીકાન્ત શાન્તીલાલની અટક સંઘવી હોવા છતાં કૌભાંડિયા તત્વોએ મહેતા અટક દર્શાવી હોવાનું અને કરોડોની કિંમતી આ જમીન રાજકોટના બજરંગ વાડી વિસ્તારમાં પવન પાર્કમાં રહેતા સુચીતભાઇ રમેશભાઇ જોષીને 3 કરોડથી વધુ રકમનો દસ્તાવેજ કરી આપી આ જમીન વેચી નાખી વાંકાનેર મામલતદાર કચેરીમાં નોંધ કરાવ્યાનું સામે આવતા મુંબઈના વયોવૃદ્ધ રજનીકાન્ત શાન્તીલાલ સંઘવીએ આ જબરા જમીન કૌભાંડમાં રાજકોટના સુચીતભાઇ રમેશભાઇ જોષી, અમદાવાદની મોનાબેન રજનીકાન્ત મહેતા વા/ઓ રાજેશભાઇ મહેતા, કુસુમબેન રજનીકાન્ત મહેતા વા/ઓ રમેશકુમાર દતાણી, દસ્તાવેજમાં સાક્ષી તરીકે સહી કરનાર રાજકોટ ગોંડલ રોડ જકાતનાકા પાસે રહેતા રમેશભાઇ ડાયાભાઇ વડોદરીયા અને માધાપર ચોકડી, રાજકોટ ખાતે રાધાપાર્કમાં રહેતા સાક્ષી જયંતિભાઇ ધીરૂભાઇ સાકરીયા તેમજ પોલીસ તપાસમા જેમના નામ ખુલે તે તમામ વિરુદ્ધ આઇપીસી કલમ 465,467,468,471 અને 120 બી મુજબ ફરિયાદ નોંધાવતા પોલીસે જમીન કૌભાંડ મામલે ઊંડાણ પૂર્વકની તપાસ શરૂ કરી છે અને આ અંગેની વધુ તપાસ વાંકાનેર સીટી પોલીસ મથકના પીઆઇ કે.એમ.છાસિયા ચલાવી રહ્યા છે.

આ સમાચારને શેર કરો