Placeholder canvas

કચ્છમાં 70 હજાર ચોરસ ફૂટ વિસ્તારમાં 35 કરોડના ખર્ચે નિર્માણ પામનારી શિફા હોસ્પિટલની મંગળવારે પાયાવિધિ…

કોમી એકતાની મિશાલ બનશે કચ્છ મુસ્લિમ શિફા હોસ્પિટલ

કચ્છમાં વસતા સર્વ સમાજના લોકોને મેડિકલ ક્ષેત્રે રાહત મળે તે ઉદ્દેશ્યથી ભુજના નવા રેલ્વે સ્ટેશન સામે મુસ્લિમ શિફા મેડિકલ ટ્રસ્ટ સંચાલિત સાર્વજનિક હોસ્પિટલની પાયાવિધિ તા.17 ઓકટોબર, મંગળવારના સવારે દસ વાગ્યે વિવિધ મસ્લકના ઉલ્માએ કિરામના હસ્તે કરવામાં આવશે.

3,999 ચો.મી. જમીન સંસ્થાએ ખરીદી લીધી છે અને તેના પર 70 હજાર ચો.ફૂટ વિસ્તારમાં નિર્માણ પામનારી હોસ્પિટલ અંગે માહિતી આપતા ટ્રસ્ટના પ્રમુખ આદમ ચકીએ જણાવ્યું હતું કે કોરોનાકાળ દરમિયાન વિશ્વભરની સાથે કચ્છમાં પણ આ મહામારીએ આતંક ફેલાવ્યો હતો. લોકોને હોસ્પિટલમાં દાખલ કરવા માટે બેડ જ નહોતા ત્યારે તે સમયે ખૂબ પરેશાની પડી હતી. સરકારી–ખાનગી હોસ્પિટલોમાં તમામ રૂમ તથા વોર્ડ તો ભરચક થઈ જ ગયા હતા સાથે પેસેજ અને બાલ્કનીમાં કોરોનાના દર્દીઓને સારવાર લેવી પડતી હતી. સર્વે કોમના ભાઈ બહેનોની તકલીફને જોઈને આ વિકટ પરિસ્થિતિએ મુસ્લિમ અગ્રણીઓની આંખ ઉઘાડી દીધી અને તેમણે દ્રઢ નિર્ધાર કર્યો કે મેડિકલ ક્ષેત્રમાં કચ્છ મુસ્લિમ સમાજ સંચાલિત એક એવી મલ્ટીપલ હોસ્પિટલ હોવી જોઈએ જે સાર્વજનિક રીતે લોકો માટે ઉપચાર કેન્દ્ર બનશે.

આ વિચારે મુસ્લિમ શિફા મેડિકલ ટ્રસ્ટને જન્મ આપ્યો. કોવિડની બીજી લહેર શાંત પડ્યા બાદ સોનીવાડ ત્રણ રસ્તા ખાતે 22 બેડની ખાનગી સર્જિકલ હોસ્પિટલ ભાડે લઈ ન નફો ન નુકસાનના સિધ્ધાંતે શરૂ કરવામાં આવી. 11 મહિનાનો કરાર પૂરો થયા બાદ ટ્રસ્ટે પોતાની તમામ શક્તિ કચ્છ મુસ્લિમ શિફા હોસ્પિટલના નિર્માણકાર્યમાં લગાવી નાખી. રૂા. 35 કરોડનો કચ્છ મુસ્લિમ શિફા હોસ્પિટલનો પ્રોજેક્ટ છે. જેમાં 14 કરોડ રૂપીયા બિલ્ડિંગ ખર્ચ, 22 કરોડ રૂપીયા અધતન મેડિકલ સાધન સામગ્રીનો અંદાજ છે.

કચ્છમાં અનેક સમાજો દ્વારા મેડિકલ સેવાઓ ઉપલબ્ધ કરાઈ રહી છે જેને ધ્યાનમાં રાખી દાયકાઓથી મુસ્લિમ સમાજની ઈચ્છા હતી કે કચ્છ મુસ્લિમ સમાજ સંચાલિત એક મલ્ટીપલ હોસ્પિટલ હોવી જોઈએ જેનો લાભ કચ્છમાં વસતા તમામ સમાજના લોકો લઈ શકે. ટ્રસ્ટીઓએ વધુમાં જણાવ્યું હતું કે, નિર્માણ થનારી હોસ્પિટલની પાયાવિધિ મૌલાના સૈયદ અલ્હાજ જહાંગીરશા હાજી મીયા, મૌલાના સૈયદ અલ્હાજ મોહંમદઅમીનશા હાજીઅહમદશા, મૌલાના અલ્હાજ ઈલ્યાસ ફલાહી, મૌલાના મોહમ્મદબિલાલ જાઈના હસ્તે થશે.

આ પ્રસંગે મુખ્ય વક્તા તરીકે મૌલાના ઉબેદુલ્લાહખાન આઝમી (પૂર્વ સાંસદ – દિલ્હી) ઉપસ્થિત રહેશે. ટ્રસ્ટના પ્રમુખ તરીકે ચાકી હાજીઆદમ બુઢા, ઉપપ્રમુખ જત હાજીસલીમ અહમદ (મુંદરા) અને ખત્રી હાજીયુસુફ હાજીહસન (ગાંધીધામ), મંત્રી જત યુસુફ અબ્દુલરહેમાન, સોનેજી ઈસ્માઈલ આદમ, ખજાનચી મેમણ હાજીઅબ્દુલકરીમ હાજીઅબ્દુલ્લાહ સેવા આપશે.

સિફા હોસ્પિટલમાં આ સેવાઓ મળશે.

શિફા હોસ્પિટલમાં જનરલ ઓપીડી જેમાં તાવ, ઉધરસ, શરદી જેવા સામાન્ય રોગનું નિદાન અને સારવાર થશે. ઓર્થોપેડિક વિભાગમાં ઘૂંટણ, કમર, કરોડરજ્જુ અને હાડકાની તકલીફો. જનરલ ફિઝિશિયન વિભાગમાં ડાયાબિટીસ, થાઇરોડ, બ્લડપ્રેશર, શ્વાસ, દમ વગેરેનો સારવાર. જનરલ સર્જનમાં એપેન્ડિક્સ, સારણગાંઠ, હરસ, મસા જેવા રોગો. ગાયનેક વિભાગ, કાન-નાક અને ગળાની સારવાર, ફિઝિયોથેરાપી વિભાગ, દાંત વિભાગ, આંખ વિભાગ અને ડાયગ્નોસ્ટિક સેન્ટરમાં એક્સરે, સોનોગ્રાફી,એમ.આર.આઈ, સીટી સ્કેન વગેરે સેવાઓ ઉપલબ્ધ કરાશે.

વાંકાનેર અને મોરબી જિલ્લા ઉપરાંત સમગ્ર સૌરાષ્ટ્રના મહત્વના સમાચાર વાંચવા માટે કપ્તાના વોટ્સએપ ગ્રુપમાં જોડાવો.

કપ્તાનના વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે નીચેની લીંક પર ક્લિક કરો…

https://chat.whatsapp.com/KqhyArp44T2HYDlxn8J81R

આ સમાચારને શેર કરો