skip to content

કાલથી ફરી આકરો તાપ શરૂ થશે, તાપમાન 38થી40 ડિગ્રી સુધી પહોંચશે…

માર્ચનાં પ્રથમ સપ્તાહથી ઉનાળાનો પ્રારંભ: હવામાન વિભાગ

છેલ્લા ત્રણ-ચાર દિવસથી રાજયમાં પશ્ચિમનાં ભેજ વાળા પવનો ફુંકાતા સવાર અને બપોરનું તાપમાન ઘટી જવા પામ્યું હતું અને સવારનાં ભાગે ઝાકળ સાથે ઠંડક વર્તાઈ હતી. આ પ્રકારનું વાતાવરણ આજરોજ પણ યથાવત રહેવા પામ્યું હતું.

પરંતુ હવે આવતીકાલથી ફરી પવનની દિશા બદલાશે અને સવાર-બપોરે ઉતર-પશ્ચિમનાં પવનો ફુંકાશે આથી હવે આવતીકાલથી પુન: ક્રમશ: તાપમાન વધવા સાથે આકરી ગરમીનો અહેસાસ થવા લાગશે. હવામાન કચેરીનાં જણાવ્યા અનુસાર આવતીકાલથી ઉતર-પશ્ચિમનાં સુકા પવનો ફુંકાવાનું શરૂ થશે આથી સવાર અને બપોરનાં તાપમાનમાં ક્રમશ: વધારો થશે.

ખાસ કરીને હવે સવાર અને બપોરનાં તાપમાનમાં 2થી 3 ડિગ્રીનો વધારો જોવા મળશે. હવામાન વિભાગનાં જણાવ્યા અનુસાર પવનની દિશા બદલાયે હવે ફેબ્રુઆરી અંત સુધીમાં રાજકોટ, અમરેલી, કચ્છ, સુરેન્દ્રનગર, અમદાવાદ, વડોદરા સહિતના વિવિધ સ્થળોએ 38થી 40 ડિગ્રી વચ્ચે મહતમ તાપમાન નોંધાશે. તેમજ સવારના ભાગે 18થી 20 ડિગ્રી વચ્ચે લઘુતમ તાપમાન નોંધાશે. એકંદરે ચાલુ માસનાં અંત સુધી હવે ફરી બપોરે આકરો તાપ અકળાવશે અને માર્ચના પ્રથમ સપ્તાહથી જ ઉનાળાનો પ્રારંભ થઈ જશે.

આ સમાચારને શેર કરો