ભોપાળું: ગૌણ સેવા પસંદગી મંડળે પરીક્ષામાં ગેરહાજર વિદ્યાર્થીને ગેરરીતિની નોટિસ ફટકારી..!

પરીક્ષા ન આપવા છતાં ગેરરીતિની નોટિસ મળતા કંડક્ટરની નોકરી કરતો યુવક પરેશાન.

અમદાવાદ : ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા તારીખ 17-11-2019ના રોજ લેવામાં આવેલી પરીક્ષામાં મોટી ગેરરીતિ થયાના અનેક બનાવો સામે આવ્યા છે. આ તમામ કેસની તપાસ માટે રાજ્ય સરકારે SITની રચના કરી છે. આ દરમિયાન સુરેન્દ્રનગરના એક સેન્ટર પરથી પરીક્ષામાં ચોરી કરવામાં આવતી હોવાના સીસીટીવી પણ સામે આવ્યા હતા. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળે સીસીટીવી ફૂટેજોની તપાસ કરીને ગેરરીતિ કરતા પકડાયેલા પરીક્ષાર્થીઓને નોટિસ આપવાનું શરૂ કર્યું છે. આ દરમિયાન પ્રાંતિજના એક પરીક્ષાર્થીને પણ નોટિસ મળી છે. નવાઈની વાત એ છે કે આ પરીક્ષાર્થીએ પરીક્ષા આપી જ નથી…! તોય ગૌણ સેવા પસંદગી મંડળ નોટિસ ફટકારી છે.

સાબરકાંઠાના પ્રાંતિજ તાલુકાના વડરાડ ગામના અપૂર્વકુમાર દિનેશભાઈ પટેલને ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ તરફથી એક નોટિસ મળી છે. આ નોટિસમાં કહેવામાં આવ્યું છે કે તા. 17-11ના રોજ લેવાયેલી પરીક્ષામાં ઉમેદવાર સુરજબા હાઇસ્કૂલ યુનિટ-2, બેઠક નંબર 1500216266થી પરીક્ષા આપવા માટે હાજર હતો. આ પરીક્ષામાં પરીક્ષાર્થીએ ગેરરીતિ આચરી હતી. પસંદગી મંડળ તરફથી સીસીટીવી તપાસવામાં આવતા આ વાતનો ખુલાસો થયો છે. આ મામલે તા. 9મી ડિસેમ્બર, 2019ના રોજ ઉમેદવારને રૂબરૂ બોલાવી ખુલાસો આપવા જણાવાયું છે. સાથે એવી સૂચના પણ આપવામાં આવી છે કે જો પરીક્ષાર્થી નિશ્ચિત તારીખ અને સમયે ગૌણ સેવા પસંદગી મંડળ સમક્ષ હાજર રહીને યોગ્ય ખુલાસો નહીં કરે તો અવું માની લેવાશે કે તેઓ આ મામલે કંઈ કહેવા માંગતા નથી અને તેમણે પરીક્ષામાં ગેરરીતિ આચરી છે. તેવું માનીને તેમની સામે ફોજદારી સહિત નિયમ પ્રમાણેની કાર્યવાહી કરવામાં આવશે.

આ બાબતની હકીકત એવી છે કે ગૌણ સેવા પસંદગી મંડળ તરફથી જે યુવકને નોટિસ મળી છે તે અપૂર્વકુમાર પટેલ કંડક્ટર તરીકેની નોકરી કરે છે. એટલું જ નહીં અપૂર્વ પટેલના કહેવા પ્રમાણે પરીક્ષાને દિવસે તે ફરજ પર હાજર હતો. આ મામલે અપૂર્વએ એક વીડિયો સંદેશ પણ વહેતો કર્યો છે. જેમાં તે કહી રહ્યો છે કે, “હું સાબરકાંઠાના વડરાડ ગામમાં રહું છું. બે દિવસથી મારા નામે એક વીડિયો ફરતો થયો છે કે હું બિનસચિવાલયની પરીક્ષામાં કોપી કરતા પકડાયો છું. તેમજ આ બાબતે મને ગૌણ સેવા પસંદગી મંડળ તરફથી નોટિસ મળી છે. શનિવારે સાંજે મને કોઈ અજાણી મહિલાના નામથી મારા આઈડી પર એક ઇ-મેલ આવ્યો છે. મેં તેમને જણાવ્યું હતું કે મેં પરીક્ષા આપી જ નથી તો મારું નામ કેવી રીતે બહાર આવ્યું? એ બહેનના કહેવા પ્રમાણે મારે નિશ્ચિત તારીખે હાજર રહેવું જ પડશે.”

“હું ગુજરાત એસ.ટી.માં કંડક્ટર તરીકે ફરજ બજાવું છું. 17મી તારીખે એટલે કે પરીક્ષાના દિવસે હું બોટાદથી હિંમતનગર લાઇનમાં નોકરી પર હાજર હતો. આ બસ સવારે છ વાગ્યે ઉપડીને હિંમતનગર જાય છે, આ બસ બપોરે 1.30 વાગ્યા હિંમતનગરથી રાત્રે આઠ વાગ્યે બોટાદ આવે છે. હું નોકરી પર હાજર હતો તો હુ cctvમા કઈ રીતે દેખાયો? આ વીડિયો વાયરલ થવાને કારણે મારું જીવવું હરામ થઈ ગયું છે. હું ખૂબ ચિંતામાં છું. મને અસંખ્ય ફોન કોલ આવી રહ્યા છે. હું સરખી રીતે નોકરી પણ કરી શકતો નથી. મેં આજ દિવસ સુધી આવી કોઈ જ ગેરરીતિ કરી નથી. મહેરબાની કરીને મારા ખોટો વીડિયોને ફોરવર્ડ કે તેના પર કોમેન્ટ ન કરો.”

ઝડપથી સમાચાર અને વિશેષ માહિતી મેળવવા માટે કપ્તાનના વોટસએપ ગૃપમા જોડાવો…. જોડાવા નીચેની લિંક કલિક કરો…

https://chat.whatsapp.com/KkbHkmhx1702zMH4BdtXkO

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક, ફોલો અને સબ્સ્ક્રાઇબ કરી શકો છો.…

આ સમાચારને શેર કરો