Placeholder canvas

પડધરીમાં સ્ટેટ મોનિટરિંગ સેલે ગેરકાયદે ગેસ રિફિલિંગનું કૌભાંડ ઝડપ્યું

સ્કૂલ પાછળ ટેન્કર રાખી સિલિન્ડર ભરતા, 49 લાખનો મુદ્દામાલ જપ્ત

રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં ટેન્કરમાંથી બારોબાર ગેરકાયદેસર રીતે ચાલતા ગેસ રિફિલિંગના કૌભાંડનો સ્ટેટ મોનિટરિંગ સેલે પર્દાફાશ કર્યો છે. ગઇકાલે રાત્રિના રાજકોટના પડધરી નજીક રંગપર પાટિયા પાસે જવાહર નવોદય વિદ્યાલય પાછળના ભાગે ખુલ્લી જગ્યામાં દરોડો પાડી સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા ગેરકાયદેસર રીતે થતા ગેસ રિફિલિંગનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. જેમાં પોલીસે રેડ દરમિયાન ગેસ ભરેલ ટેન્કર, 24 ગેસ સિલિન્ડર સહિત કુલ 49 લાખનો મુદ્દામાલ કબ્જે કરી 7 લોકોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ઉપરોક્ત જગ્યા ગેસ રિફિલિંગ માટે દિનેશભાઇ ફાંગલીયા પાસેથી દર મહિને 30,000 ભાડેથી રાખેલ હોવાનું સામે આવ્યું છે . ગત મોળી રાત્રિના સમયે હાઇવે ઉપરથી આવતા-જતાં ગેસના ટેન્કર ડ્રાઇવરોનો સંપર્ક કરી ડ્રાઇવરોને ઉપરોક્ત ખુલ્લી જગ્યામાં ટેન્કર સાથે લઇ આવી, ટેન્કરમાંથી ગેસની ચોરી કરવાની ગેરકાયદેસર પ્રવૃતિ કરે છે. જે આધારે ગઇકાલે રાત્રિના સમયે રેડ કરતા નવોદય વિદ્યાલયની પાછળના ભાગે ગેસના ટેન્કરમાંથી સિલિન્ડરમાં ગેસ ભરવાનું ચાલુ હતું. જે તાત્કાલિક બંધ કરાવી સ્થાનિક પોલીસને જાણ કરી હતી.

પોલીસે રેડ દરમિયાન દિનેશ ખાંભરા, સાગર ગોહેલ, સિંધાભાઇ વરુ, મુકેશ ગુપ્તા, મહેશ ચાવડા, ગોરધન ડાભી અને સિંધા ભુંડીયા સહિત કુલ 7 આરોપીઓની ધરપકડ કરી 24 નંગ ગેસ સિલિન્ડર કિંમત રૂપિયા 48000, નોઝલ ફિટ કરવા 5 પાઇપ કિંમત રૂપિયા 5000, એક ગેસ ભરેલ આઇસર કિંમત રૂપિયા 41,50,800, એક બોલેરો કાર કિંમત રૂપિયા 5 લાખ સહીત કુલ 49 લાખથી વધુનો મુદામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

કપ્તાન ના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચેની લિંક પર ક્લિક કરો…. https://chat.whatsapp.com/BDeowoFVfbkELssypF4KFt

ઉપરની લીંક આપના મિત્રોને કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવા માટે મોકલી શકો છો…

આ સમાચારને શેર કરો