રાજકોટ: બંને સાવજ ચોટીલા-આટકોટ વચ્ચેના જંગલમાં પાછા ફર્યા : ‘ભોજન’ પણ કર્યુ!
રાજકોટથી વનવિભાગ અને કેટલાક ગ્રામજનોએ દર્શન કર્યા…
ચોટીલા પંથકમાંથી ખોરાકની તલાશમાં છેક રાજકોટ સુધી પહોંચી ગયેલા બે સાવજ ફરીને અંતે ઘર ચોટીલા તરફ પહોંચી ગયાનું જાણવા મળ્યું છે. ગઇકાલે બંને સાવજ ચોટીલા પાસેના વીરપર અને વેરાવળ પાસે હોય આજે પરત પોતાના ઘરે પહોંચી જવાની આશા વન તંત્રએ વ્યકત કરી છે.
આજે સવારે વિંછીયા અને ચોટીલા વચ્ચેના જંગલ વિસ્તારમાં સિંહોનું લોકેશન હોવાનું ફોરેસ્ટના અધિકારીઓએ કહ્યું હતું. ગઇકાલે સાવજોએ મારણ પણ કર્યુ હતું. ત્રંબા બાદ ગઇકાલે આ સિંહની જોડીએ જસદણ પંથકના વીરપર અને વેરાવળ ગામ નજીક પડાવ નાખ્યો હતો. વનવિભાગની તપાસ દરમિયાન આ સિંહ ચોટીલાથી ગોંડલ નજીકના ગુંદાસરાથી રાજકોટ પાસે ત્રંબા થઇને ફરી જસદણ પંથકમાં ઉતરી આવ્યા હોવાનું બહાર આવ્યું હતું.
રાજકોટ નજીક ત્રંબા પાસે સિંહના પડાવ બાદ રાજકોટના વનવિસ્તરણ વિભાગના અધિકારીઓની ટીમ તપાસ માટે નીકળી ગઇ હતી. આ ટીમ દ્વારા દિવસ દરમિયાન તપાસ યથાવત રાખવામાં આવી હતી. પરંતુ સ્થાનિક લોકોએ સિંહની જોડી જસદણ પંથક બાજુ જતી રહી હોવાના મેસેજ આપ્યા બાદ જસદણ સામાજીક વનીકરણ વિભાગના અધિકારીઓને એલર્ટ કરવામાં આવ્યા હતાં. દિવસ દરમિયાન જસદણ પંથકમાં વનવિભાગના ફોરેસ્ટર ગાર્ડ સહિતની ટીમો કામે વળગી હતી. પરિણામે જસદણ તાલુકાના ભાડલાથી રાણીંગપરના રસ્તે આવેલા વીરપર અને વેરાવળમાં આ સિંહની જોડી જોવા મળી હોવાને સમર્થન મળ્યું હતું.
રેડીયો કોલરની મદદથી જાણવા મળ્યું હતું કે રાજકોટમાં ત્રંબા નજીક સિંહ આવી પહોંચ્યા હતા તે જ સિંહ ચોટીલા, ગોંડલ, કોટડાસાંગાણીને જસદણ વિસ્તારમાં ફર્યા હતા. આ સિંહ સૌ પ્રથમ વખત ચોટીલા વિસ્તારમાં જ હતા ત્યાંથી શિકારની શોધમાં સ્થળાંતરીત થયા હોવાની શકયતા છે.
ઝડપથી સમાચાર અને વિશેષ માહિતી મેળવવા માટે કપ્તાનના વોટસએપ ગૃપમા જોડાવો…. જોડાવા નીચેની લિંક કલિક કરો…
https://chat.whatsapp.com/FhWQhEgwM79JCLkxAayZB3
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક, ફોલો અને સબ્સ્ક્રાઇબ કરી શકો છો.…