સિવિલ હોસ્પિટલની મુલાકાત લેતા રેવન્યુ સચિવ પંકજકુમાર
રાજકોટ શહેરમાં કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે અને દૈનિક સરેરાશ 30 થી 40 પોઝીટીવ કેસો આવી રહ્યાં છે. આથી આ બાબતની ગંભીર નોંધ રાજય સરકારે પણ લીધી છે. તાજેતરમાં જ રાજયનાં આરોગ્ય સચિવ જયંતી રવિ પણ રાજકોટની મુલાકાત લઇ ચૂકયા છે. ત્યારે ગઇકાલે રાજયનાં વધુ એક ટોચનાં અધિકારી રેવન્યુ સચિવ પંકજ કુમાર રાજકોટની મુલાકાતે આવ્યા હતા. તેઓએ રાજકોટ સિવિલ હોસ્પિટલનાં કોરોના વિભાગની પણ વિગતો મેળવી અને દર્દીઓને અપાતી સુવિધા તથા સારવાર અંગે જાણકારી મેળવી હતી.
પંકજ કુમારની આ મુલાકાત સમયે તેઓની સાથે રાજકોટ જિલ્લા કલેકટર રેમ્યા મોહન, મ્યુનિ. કમિશ્નર અગ્રવાલ, જિલ્લા આરોગ્ય અધિકારી ડો.ભંડેરી, મ્યુ.કોર્પોરેશનનાં આરોગ્ય અધિકારી ડો.રાઠોડ, ડીડીઓ રાણાવસીયા, ડીન ગૌરવીબેન ધ્રુવ, ઇન્ચાર્જ સિવિલ સર્જન ડો.બુચ અને ડો.ગૌસ્વામી હાજર રહ્યા હતા.