રાજકોટ: ‘આપ’નો ભવ્ય રોડ-શો: મનીષ સિસોદીયાનું શકિત પ્રદર્શન

રાજકોટમાં દિલ્હીના ઉપ મુખ્યમંત્રી મનીષ સીસોદીયાનો 20 કિમિનો રોડ શો યોજાયો હતો. આ રોડ શો શરૂ કરતાં પહેલાં તેઓ રણછોડદાસ બાપુના આશ્રમ ખાતે પહોંચ્યા હતા અને દર્શન કર્યા હતા. રોડ શો ગ્રીનલેન્ડ ચોકડીથી શરૂ થયો હતો. જેમાં હજારોની સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા હતા. રોડ શોમાં સીસોદીયા એક ખુલી જીપમાં સવાર થયા હતા. ઠેર – ઠેર તેમના પર પુષ્પવર્ષા થઈ હતી. બહોળી સંખ્યામાં યુવા કાર્યકર્તાઓ સાવરણા લઈ અને આપની ટોપી પહેરી જોવા મળ્યા હતા.

આ રેલી 80 ફૂટ રોડ થઈ, સોરઠીયાવાડી સર્કલ, નીલકંઠ સિનેમા, આનંદનગર મેઈન રોડ, પટેલ વાડી, જલારામ ચોક, ગુરુકુળ, આનંદ બંગલા ચોક, મવડી મેઈન રોડ, રાજનગર ચોક, કોટેચા ચોક, યુનિવર્સિટી રોડ, સાધુવાસવાણી રોડ, આલાપ ગ્રીન સિટીથી રૈયા રોડ, હનુમાન મઢી, એરપોર્ટ રોડ, રંગ ઉપવન સોસાયટી, આઝાદ ચોક, અંડરબ્રિજ થઈ રાજનગર ચોકમાં આવેલા આમ આદમી પાર્ટીના મધ્યસ્થ કાર્યાલય ખાતે રોડ શોનું સમાપન કરાયુ હતું.

રેલી દરમિયાન અનેક સ્થળો પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. તો રેલીમાં જબરો લોકજુવાળ પણ જોવા મળ્યો હતો. કાર્યકરો કારમાં, બાઇકમાં અને પગપાળા જોવા મળ્યા હતા. રેલીમાં ‘આમ આદમી’ લખેલી ટોપી પહેરેલા કાર્યકરો અને હાથમાં આપનું ચૂંટણી ચિહ્ન સાવરણો લઇ આવેલા લોકો જોવા મળ્યા હતા.

આ સમાચારને શેર કરો
  • 19
  •  
  •  
  •  
  •  
  •  
    19
    Shares