Placeholder canvas

ડુંગળીની નિકાસ પરનો પ્રતિબંધ હટાવો.દલાલો અને સંગ્રહખોરો ઉઠાવે છે ગેરલાભ -અમિત ચાવડા

ડુંગળીની નિકાસ બંધ થતા રાજ્યભરના ખેડૂતો ચિંતામાં મુકાયા છે. ડુંગળીની હરાજી સમયે જ નિકાસ બંધ કરાતા ભાવ તળિયે ગયા છે જેને લઈને ખેડૂતોને પારાવાર નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. હાલ યાર્ડમાં કટ્ટાનો ભાવ 200 રૂપિયા બોલાઈ રહ્યો છે જેમા ખેડૂતોને ખર્ચ પણ નીકળે તેમ નથી. ત્યારે ખેડૂતો સરકાર સમક્ષ નિકાસ ફરી શરૂ કરવાની માગ કરી રહ્યા છે.

ડુંગળીની નિકાસ પર પ્રતિબંધથી ખેડૂતોની હાલત કફોડી બની છે. ડુંગળીના ભાવ તળિયે જતા ખેડૂતોને ઉત્પાદન ખર્ચ પણ મળી રહ્યો નથી. ખેડૂતોને પારાવાર નુકસાન વેઠવુ પડી રહ્યુ છે. એક તરફ માવઠાને કારણે ખેડૂતોને નુકસાન ગયુ છે. તેમા ડુંગળીની નિકાસ બંધ થતા ભાવમાં કડાકો બોલ્યો છે. જેને લઈને ખેડૂતોને પડતા પર પાટુ જેવી સ્થિતિ સર્જાઈ છે. ડુંગળીની નિકાસ મુદ્દે હવે રાજનીતિ પણ તેજ થઈ ગઈ છે. કિસાન કોંગ્રેસ સંઘના નેતા પાલ આંબલિયા બાદ હવે કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ પણ મુખ્યમંત્રીને પત્ર લખી ડુંગળીની નિકાસ પરનો પ્રતિબંધ હટાવવાની માગ કરી છે.

કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને પત્ર લખી રજૂઆત કરી કે, ડુંગળીની નિકાસબંધીના નિર્ણયથી ખેડૂતોને પૂરતાં ભાવ ન મળતા સંગ્રહખોરી થશે. દલાલો અને સંગ્રહખોરો ખેડૂતો પાસેથી નીચા ભાવે ડુંગળીની ખરીદી કરી અછત ઉભી કરે છે. જે તકનો લાભ દલાલો અને સંગ્રહખોરો મેળવે છે. ત્યારે ભાજપ સરકાર માત્ર ખેડૂતોના હિતની વાતો કરે છે. નિકાસ બંધ થતાં મહામહેનતે પકવેલ ડુંગળીના ભાવ તળિયે પહોંચ્યા છે. ત્યારે સરકાર ખેડૂતોના હિતમાં નિર્ણય લે તે માટે રજૂઆત કરી છે.

આ સમાચારને શેર કરો