Placeholder canvas

દસ દિવસમાં ત્રણ-ત્રણ બાળકીના દેહ પીંખનાર હેવાનને સજા-એ-મોત

રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી બાળકીઓ તેમજ સગીરાઓની છેડતી તેમજ દુષ્કર્મના કિસ્સાઓમાં વધારો થઈ રહ્યો હોય વાલીઓની ચિંતાનો કોઈ જ પાર રહ્યો નથી. બીજી બાજુ અદાલત દ્વારા આવા કેસમાં ઝડપથી ચુકાદો આપી હેવાનોને આકરી સજા પણ ફટકારવામાં આવી છે ત્યારે બે વર્ષ પહેલાં દસ દિવસની અંદર ત્રણ-ત્રણ બાળકીના દેવ પીંખી નાખનાર હેવાનને ફાંસીના માંચડે લટકાવી દેવાનો ચુકાદો કોર્ટે આપતાં પીડિતાના પરિવારજનોની આંખો ખુશીથી છલકાઈ ઉઠી હતી.

આ અંગેની વધુમાં જાણવા મળતી વિગતો પ્રમાણે પાંચ વર્ષની બાળકી પર દુષ્કર્મ આચરનાર વાંસજડા ગામના આરોપી વિજય ઠાકોરને કલોલની એડિશનલ સેશન્સ કોર્ટે પોક્સોની કલમ હેઠળ ફાંસીની સજા ફટકારી છે. આરોપીએ અગાઉ અન્ય બે બાળકી ઉપર પણ દુષ્કર્મ આચર્યું હોવાના કેસમાં આજીવન કેદની સજા થઈ ચૂકી છે આમ વિજય ઠાકોરે 10 દિવસમાં ત્રણ બાળકીને પીંખી હતી.

ઉલ્લેખનીય છે કે, પોક્સોની કલમ હેઠળ આરોપીને ફાંસીની સજા થઈ હોય તેવો ગાંધીનગર જિલ્લાનો આ પ્રથમ કેસ છે. દુષ્કર્મના કેસની વધુ વિગતો એવી છે કે કલોલ તાલુકાના સાંતેજ ગામની સીમમાં ચાર નવેમ્બર-2021ના દિવસે પરિવાર સાથે લાકડા વીણતી પાંચ વર્ષની બાળકીને વિજય ઠાકોર કપડાં અપાવવાની લાલચ આપી બાઈક પર અપહરણ કરી લઈ ગયો હતો અને બાળકીને બેસાડી રાંચરડા-ખાત્રજ રોડ પર નાસ્મેદ કેનાલની બાજુમાં ખરાબાની જગ્યામાં આવેલી અવાવરું ઓરડીમાં લઈ જઈ તેની પર દુષ્કર્મ ગુજાર્યું હતું.

માસૂમ બાળકી ભવિષ્યમાં માતા પણ ન બની શકે તે પ્રકારની આરોપીએ ગંભીર ઈજાઓ પહોંચાડી હતી અને બાળકીને ત્યાં જ મુકીને નાસી છૂટ્યો હતો. અરેરાટીભર્યા બનાવનો ગુનો કલોલ તાલુકા પોલીસ મથકમાં દાખલ થયો હતો તે પછી ગાંધીનગર એલસીબી અને એસઓજી દ્વારા સંયુક્ત ઓપરેશન હાથ ધરી વિજય પોપટજી ઠાકોરને ઝડપી લઈ કોર્ટમાં ઝડપથી ચાર્જશીટ દાખલ કર્યું હતું. દુષ્કર્મનો આ કેસ કલોલ કોર્ટમાં ચાલી જતાં કોર્ટે નોંધ્યું હતુંકે આરોપી ગંભીર ગુના કરવાની ટેવવાળો છે.

તેણે દસ દિવસમાં આવા ત્રણ ગુના આચર્યા હતા. આરોપીએ ત્રણ વર્ષની બાળકી સાથે બળાત્કાર કરી હત્યા કરી લાશને અવાવરું જગ્યાએ નાળામાં ફેંકી દીધી હતી. ઉપરાંત એક સગીર બાળકી સાથે બળાત્કાર કરી મોબાઈલ ફોનની લૂંટ ચલાવી હતી જેથી સમાજમાં દાખલો બેસે તે હેતુસર આવા ક્રુર અને ઘાતકી માનસ ધરાવતા આરોપીને ફાંસીની સજા આપવી જરૂરી બની જાય છે.

આ સમાચારને શેર કરો