Placeholder canvas

બોટાદમાં 9વર્ષની બાળકી પર દુષ્કર્મ આચરીને હત્યાના બનાવથી દેવીપૂજક સમાજમાં રોષ…

કમિશનર કચેરી બહાર 20 મિનિટ સુધી ટ્રાફિકજામ: પોલીસનો હળવો લાઠીચાર્જ

રાજકોટ: ગત તા.15 જાન્યુઆરીએ બોટાદમાં નવ વર્ષની માસૂમ બાળકી પર હેવાને દુષ્કર્મ આચરી મોતને ઘાટ ઉતારી દીધાની ઘટનાના પડઘા ગુજરાત સહિત આખા દેશમાં પડ્યા છે ત્યારે આ જઘન્ય ઘટનાને અંજામ આપનારા હેવાન દુષ્કર્મીને ફાંસીના માંચડે લટકાવી દેવાની માંગણી સાથે આજે દેવીપૂજક સમાજે કલેક્ટર અને કમિશનર કચેરી બહાર હલ્લાબોલ કરી આવેદનપત્ર આપ્યું હતું. એકંદરે આવેદન આપવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હોવાને કારણે અંદાજે 20 મિનિટ સુધી ટ્રાફિકજામ થઈ જવા પામ્યો હતો જેને ક્લિયર કરાવવા માટે પોલીસે હળવો લાઠીચાર્જ કરવો પડ્યો હતો.

દેવીપૂજક સમાજે પોલીસ કમિશનરને પાઠવેલા આવેદનપત્રમાં જણાવ્યું છે કે બોટાદમાં નવ વર્ષની દેવીપૂજક સમાજની માસૂમ બાળકી સાથે નરાધમે દુષ્કર્મ આચરી તેની હત્યા કરી નાખી છે જેથી આખા દેશનો દેવીપૂજક સમાજ રોષિત થઈને રસ્તા પર ઉતરી આવ્યો છે. એક તરફ સરકાર ‘બેટી બચાવો’ અભિયાન ચલાવી રહી છે ત્યારે બીજી બાજુ આવા નરાધમો માસૂમ બાળકીઓ પર દુષ્કર્મ આચરીને તેમના મૃત્યુ નિપજાવી રહ્યા છે પરંતુ તેમને આકરી સજા મળી રહી નથી.

ત્યારે દેવીપૂજક સમાજ સરકારને સવાલ પૂછી રહ્યો છે કે તેઓ દેવીપૂજક સમાજ સાથે નથી ઉભી ? અમારી દીકરીઓની સલામતિ શું ? આથી સમસ્ત દેવીપૂજક સમાજ આજે ન્યાય ઝંખે છે અને હતભાગી પીડિતાના બળાત્કારી-હત્યારાને ફાંસીએ લટકતો જોવા માંગે છે. સરકાર આ કેસ ત્વરીત ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવે અને આરોપીને ફાંસીએ ચડાવશે તો જ પીડિતા અને તેના પરિવારને સાચો ન્યાય મળ્યો ગણાશે.

આ પ્રકારનું આવેદન દેવીપૂજક સમાજ દ્વારા કલેક્ટર તેમજ પોલીસ કમિશનર કચેરીમાં મોટી સંખ્યામાં ઉમટી પડીને આપવામાં આવ્યું હતું. દેવીપૂજક સમાજે ભારે સૂત્રોચ્ચાર સાથે એક રેલી પણ કાઢી હતી જેના કારણે કમિશનર કચેરી બહાર ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો. જો કે લોકોની સંખ્યા વધુ હોવાથી કમિશનર કચેરીના ગેઈટ બંધ કરવા પડ્યા હતા જેના કારણે બહાર ટ્રાફિકજામ સર્જાઈ ગયો હતો જેને ક્લિયર કરાવવા માટે પોલીસે હળવો લાઠીચાર્જ પણ કરવો પડ્યો હતો.

આ સમાચારને શેર કરો