Placeholder canvas

આજે સાંજે રાજકોટ બનશે ‘રનમેદાન’ : ક્રિકેટરસિકોથી ઉભરાશે સ્ટેડિયમ

ટીમ ઈન્ડિયાએ શ્રેણી બચાવવા તો આફ્રિકાએ શ્રેણી કબજે કરવા જીતવું જ પડશે.

રાજકોટ : ટીમ ઈન્ડિયા આજે સાઉથ આફ્રિકા સામે રાજકોટના ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમ ઉપર ‘કરો યા મરો’ સમાન મુકાબલામાં ઉતરશે. આજના મેચની જીત ટીમ ઈન્ડિયાના પાંચ મેચોની શ્રેણીમાં ‘જીવંત’ રાખશે અને હાર તેના હાથમાંથી શ્રેણી ખુંચવી લેશે. અત્યાર સુધી રમાયેલી ત્રણ મેચોમાં આફ્રિકી ટીમ 2-1થી આગળ છે.

આજે ક્રિકેટરસિકોની નજર અત્યંત ખરાબ ફોર્મથી ઝઝૂમી રહેલા કેપ્ટન ઋષભ પંત ઉપર રહેશે જેને સારી ઈનિંગ રમવાની જરૂર છે જેથી વચ્ચેની ઓવરોમાં ટીમ પર આવી પડનારા દબાણથી બચી શકાય. વિશાખાપટ્ટનમમાં ત્રીજી મેચમાં ભારતે પોતાની ભૂલો સુધારી મોટી જીત હાંસલ કરી હતી પરંતુ પંતે તો એ મેચમાં પણ સૌને નિરાશ કર્યા હતા. પંત એક શાનદાર બેટસમેન છે અને જ્યારે કોઈ પણ ફોર્મેટને લઈને તેની ટીકા થઈ છે ત્યારે તેણે જોરદાર ઈનિંગ રમીને સૌની બોલતી બંધ કરી દીધી છે. હવે આજની મેચમાં તેની પાસે આ જ તક રહેશે. આફ્રિકી બોલરોએ તેના બેટ પર અંકુશ લગાવીને તેને પસંદગીના શોટ રમવા દીધા નથી અને તે વારંવાર ડીપમાં કેચ આપીને આઉટ થયો છે તેથી તેણે તેમાં સુધારો કરવો જ રહયો…

સાંજે 7 વાગ્યાથી મુકાબલો શરૂ: સ્ટાર સ્પોર્ટસ નેટવર્ક પર લાઈવ પ્રસારણ

આજે ભારત-આફ્રિકા વચ્ચે ટી-20 મુકાબલો રમાય તે પહેલાં ગઈકાલે બન્ને ટીમોએ સ્ટેડિયમ પર તનતોડ પ્રેક્ટિસ કરીને છેવટ સુધીની તૈયારીઓ કરી લીધી હતી. આફ્રિકી ટીમે ભરતડકામાં ગ્રાઉન્ડ અને નેટમાં પરસેવો વહાવ્યો હતો તો ટીમ ઈન્ડિયાએ ટાઢા પહોરે મતલબ કે સાંજના સમયે સ્ટેડિયમ પર એન્ટ્રી મારી હતી. આમ તો બન્ને ટીમના મોટાભાગના ખેલાડીઓએ હોટેલ પર રહીને આરામ જ કર્યો હતો છતાં ઋષભ પંત, શ્રેયસ અય્યર, દિનેશ કાર્તિક, ઉમરાન મલિક, દીપક હુડ્ડા, હર્ષલ પટેલ સહિતના ખેલાડીઓએ પ્રેક્ટિસ કરી પોતાની રમતમાં રહેલી ભૂલોને સુધારવા પ્રયત્ન કર્યો હતો.

અક્ષર પટેલને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 100 વિકેટ પુરી કરવા માટે 1વિકેટની જરૂર…
સ્પીન બોલર અક્ષર પટેલ આજની મેચમાં પ્લેઈંગ ઈલેવનમાં સામેલ થવા માટે લગભગ ફાઈનલ છે ત્યારે પ્લેઈંગ ઈલેવનમાં સામેલ થયા બાદ જો તે એક વિકેટ મેળવી લેશે તો તેના નામે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 100 વિકેટ પૂર્ણ થઈ જશે. આમ આ મેચ ઋષભ પંત, ભુવનેશ્વર કુમારની સાથે જ અક્ષર પટેલ માટે પણ મહત્ત્વની બની રહેશે.

પંત જો એક છગ્ગો મારી દે તો આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સિક્સરની થશે ‘સદી’
આજે ભારત-આફ્રિકા વચ્ચે આજે રમાનારી ટી-20 મેચમાં ટીમ ઈન્ડિયાના કેપ્ટન ઋષભ પંત એક છગ્ગો ફટકારશે એટલે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સિક્સરની ‘સદી’ પૂર્ણ કરી લેશે મતલબ કે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પંતના નામે 100 છગ્ગા થઈ જશે. અત્યાર સુધી રમાયેલી ત્રણેય મેચમાં પંતનું બેટ અત્યંત શાંત રહ્યું છે.

ભૂવનેશ્વર ચ4 વિકેટ લે તો ટી-20માં ભારતનો બીજો સૌથી સફળ બોલર બનશે
આજની મેચ જીતવી ભારત માટે જેટલી જરૂરી છે તેટલી જ આફ્રિકા માટે પણ છે. બીજી બાજુ ભારતીય ખેલાડીઓ આ મેચ થકી નવો રેકોર્ડ નોંધાવવા માટે પણ પ્રયત્નશીલ જોવા મળશે. આજની મેચમાં ટીમના ફાસ્ટ બોલર ભૂવનેશ્વર કુમાર જો ચાર વિકેટ ખેડવી નાખે તો ટી-20માં તે ભારતનો બીજો સૌથી સફળ બોલર બની જશે.

ભારત-આફ્રિકા
કુલ મેચ-18
ભારત જીત્યું-10
આફ્રિકા જીત્યું-8

આ સમાચારને શેર કરો