Placeholder canvas

રાજકોટ: કમિશનર કચેરીમાં PSI ડમડમ હાલતમાં પકડાયા.

પોલીસ કમિશનર કચેરીમાં આજે બપોરના અરસામાં પીએસઆઈ કથિત રીતે નશો કરેલી હાલતમાં મળી આવતાં ખળભળાટ મચી જવા પામ્યો છે. બીજી બાજુ પકડાયેલા પીએસઆઈએ દારૂ પીધો હતો કે પછી બીજા કોઈ કેફી પ્રવાહીનું સેવન કર્યું હતું તેની ખરાઈ કરવા માટે મેડિકલ ચેકઅપ માટે હોસ્પિટલમાં લઈ જવાયા છે જ્યાંથી રિપોર્ટ આવી ગયા બાદ ગમે ત્યારે તેમની ધરપકડના ભણકારા વાગી રહ્યા છે.

આ અંગે વધુમાં જાણવા મળતી વિગતો પ્રમાણે બપોરે 12:30 વાગ્યાના અરસામાં પોલીસ કમિશનર કચેરીમાં અરજદારો જઈ રહ્યા હતા ત્યારે તેમને અટકાવી તેમની પાસે રહેલા સામાનની તલાશી લેવા માટે એસઆરપી-13 ગ્રુપમાં પીએસઆઈ તરીકે ફરજ બજાવતાં બીજેન્દ્રસિંહ કિશનસિંહ ચૌહાણે કહ્યું હતું. આ વેળાએ તેઓ નશો કરેલી હાલતમાં હોવાનું ધ્યાન પર આવતાં જ અરજદારોએ હોબાળો શરૂ કર્યો હતો.

પીએસઆઈની સ્થિતિ એવી હતી કે, તેઓ સરખી રીતે ઉભા પણ રહી શકતા નહોતા ! તેમણે નશો કરેલો હોવાનું ખૂલી જતાં તાત્કાલિક તેમની સાથે રહેલા અન્ય સ્ટાફે તેમને આમતેમ લઈ જવાનું શરૂ કર્યું હતું પરંતુ ત્યાં સુધીમાં તો સમગ્ર મામલો છતો થઈ જવા પામ્યો હતો.

આ બનાવ પ્રકાશમાં આવ્યા બાદ પ્ર.નગર પોલીસે પીએસઆઈ ચૌહાણની અટકાયત કરી લીધી હતી અને હાલ તેમનું મેડિકલ ચેકઅપ કરાવવાની પ્રક્રિયા ચાલી રહી હોય તેનો રિપોર્ટ આવી ગયા બાદ તેમની સામે ગુનો નોંધીને ધરપકડ કરવામાં આવનાર હોવાનું જાણવા મળી રહ્યું છે.

આ સમાચારને શેર કરો