Placeholder canvas

રાજકોટ સિવિલ હોસ્પિટલની ઘોર બેદરકારી: પેટમાં મૃત બાળક સાથે સગર્ભાને કલાકો સુધી રઝળાવી…

રાજકોટ સિવિલ હોસ્પિટલની ઘોર બેદરકારી દર્શાવતી વધુ એક ઘટના સામે આવી છે. જેમાં બે દિવસ પહેલા સિવિલ હોસ્પિટલ જનાના વિભાગમાં પેટમાં મૃત બાળક સાથે એક સગર્ભાને ગુંદાવાડી હોસ્પિટલથી રીફર કરાઈ હતી. જોકે તેણીનું તાત્કાલિક ઓપરેશન કરવાને બદલે કલાકો સુધી રાઝળાવવામાં આવી હતી. અંદાજે 12 વાગ્યે આવેલી આ સગર્ભાનું ઓપરેશન 7 વાગ્યે કરાયું હતું. ત્યાં સુધી સગર્ભા અને તેના પરિવારનાં જીવ તાળવે ચોટયા હતા. જોકે સદનસીબે પેટમાં રહેલ મૃત બાળકનું ઝેર ન પ્રસરતા સગર્ભાનો જીવ બચ્યો હતો.

આ મામલે સિવિલ અધિક્ષક ડો. આર. એસ. ત્રિવેદીએ પત્રકાર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, આ બાબત મીડિયાનાં માધ્યમથી મારા ધ્યાનમાં આવી છે. જેને લઈને ખાતાકીય તપાસનાં આદેશો આપી દેવામાં આવ્યા છે. જેનો રિપોર્ટ આવ્યા બાદ જે કોઈ આ માટે જવાબદાર હશે તેની સામે કડક પગલાં લેવામાં આવશે. તેમજ ખાતાકીય તપાસ બાદ જો જરૂર જણાશે તો એક કમિટી બનાવી આ અંગે ઉંડાણપૂર્વક તપાસ કરવામાં આવશે. અને જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી થશે. જોકે આ વિભાગના હોસ્પિટલનાં ડૉક્ટર્સ અને સ્ટાફ 24 કલાક કામગીરી કરે છે અને અત્યાર સુધીમાં આ પ્રકારે કોઈપણ દર્દીને તકલીફ પડી હોવાનું સામે આવ્યું નથી. છતાં આ બાબતને ગંભીરતાથી લઈ તપાસ હાથ ધરાઈ છે.

આ સમાચારને શેર કરો