રાજકોટ સિટી બસના ટિકિટ કલેક્શન મશીન બોગસ: બસના15 રૂટ રદ કરાયા !!
રાજકોટ મનપા દ્વારા સંચાલિત રાજકોટ રાજપથ લિમીટેડની સિટી બસમાં આજે સમસ્યા થઇ હતી. સ્માર્ટ સિટી મીશન હેઠળ રાજકોટને બસમાં ટિકિટ કલેક્શન મશીન અપાયા હતાં જેનો ઉપયોગ આજે શરૂ કરતાની સાથે જ આ મશીન ખામીવાળા નીકળતાં દેકારો બોલી ગયો હતો. તેના કારણે 15 જેટલા રૂટ રદ કરવા પડ્યા હતાં. આ બાબતે સિટી બસમાં અપડાઉન કરતાં વિદ્યાર્થીઓમાં ફરિયાદ મુજબ સ્માર્ટ સિટી મિશન હેઠળ મળેલા ટિકિટ કલેક્શન મશીનનો આજથી ઉપયોગ શરૂ કરાયો હતો. પરંતુ આ મશીન પૈકી મોટાભાગનાં મશીન ટેકનિકલ ખામીવાળા નીકળ્યા હતા અને અનેકની બેટરી ચાલતી ન હતી.
આ ટિકિટ કલેક્શન મશીનમાં ડેટા ખોટા નીકળતાં હોવાની ફરિયાદ ઉઠી હતી. આથી સવારે સ્કૂલ-કોલેજનાં રૂટવાળી 15 જેટલી સિટી બસ રદ કરવામાં આવતાં વિદ્યાર્થીઓમાં દેકારો બોલી ગયો હતો. અનેક લોકો રઝળી પડ્યા હતાં. મારવાડી કોલેજ જતી 45 નંબરની સિટી બસના વિદ્યાર્થીઓની ટિકિટ જ નીકળી ન શકી હતી. આથી તેઓને પણ અધવચ્ચે ઉતારવા પડ્યા હતાં. કુલ 90માંથી 71 બસ જ આજે ચાલુ રાખવાની ફરજ પડી હતી. આ ટેકનિકલ ખામીવાળા મશીનમાં ક્યારેક પૈસાની ભુલ તો ક્યારેક ટિકિટો એક સાથે 50-50 જેટલી નીકળવા મંડતી હતી.