Placeholder canvas

અમદાવાદ માથે મંડરાતી નવી મુસીબત: ડેન્ગ્યુ અને ચિકનગુનિયાનો ભરડો

શહેરમાં રોગચાળો બેકાબૂ થયો છે છતાંય તંત્ર હાથ પર હાથ ધરી બેઠું છે. ગોતા, થલતેજ અને બોડકદેવ ચિકનગુનિયાના ‘હોટસ્પોટ’

અમદાવાદીઓને વિવિધ સમસ્યાઓથી ધોળે દિવસે તારા દેખાઈ જાય છે તેમાં કોઈ વાદવિવાદને અવકાશ રહેતો નથી. કોરોનાની સેકન્ડ વેવના પ્રકોપથી થાકેલા લોકો હવે થોડાક હળવા બન્યા છે અને તેમના ચહેરા પર ફરી રોનક આવી આવી છે ત્યાં ડેન્ગ્યુ અને ચિકનગુનિયાએ આતંક ફેલાવ્યો છે.સરખેજ, જોધપુર, રાણીપ અને નવરંગપુરામાં ચિકનગુનિયાનો કહેર શરૂ થયો છે. ખાસ તો પશ્ચિમ અમદાવાદમાં મચ્છરજન્ય રોગચાળાથી લોકો ત્રાહિમામ્ પોકારી ગયા છે.

અમદાવાદ શહેરનો પૂર્વ વિસ્તાર ડેન્ગ્યુથી ત્રાસી ઊઠ્યો છે. લાંભા, વટવા, ઇસનપુર, રામોલ, હાથીજણ, ગોમતીપુર, અમરાઈવાડી, ભાઈપુરા, વસ્ત્રાલ, ઓઢવ   જેવા વોર્ડમાં ડેન્ગ્યુના દર્દીઓ રાડ પાડી ઊઠ્યા છે તો ચિકનગુનિયાએ પશ્ચિમ અમદાવાદને તેની લપેટમાં લીધું છે. બીજા અર્થમાં સમગ્ર અમદાવાદમાં ડેન્ગ્યુ અને ચિકનગુનિયાએ પકડ જમાવતાં મ્યુનિ. અને ખાનગી હોસ્પિટલ, ખાનગી દવાખાનાં મચ્છરજન્ય રોગચાળાના દર્દીથી ઊભરાઈ રહ્યાં છે.

આ વિસ્તારો ‘હોટસ્પોટ’
પશ્ચિમ અમદાવાદના ઉત્તર-પશ્ચિમ ઝોનમાં ચિકનગુનિયાના અજગરી ભરડામાં ગોતા, થલતેજ અને બોડકદેવ વોર્ડ આવી ચૂક્યા છે. આ ત્રણે વોર્ડમાં  ચિકનગુનિયાના ૧૦૦થી વધુ સત્તાવાર કેસ નોંધાઈ ચૂક્યા છે. અન્ય બે વોર્ડ ચાંદલોડિયા અને ઘાટલોડિયામાં ૩૦થી વધુ સત્તાવાર કેસ થયા છે. આમ આખા ઉત્તર-પશ્ચિમ ઝોન પર ચિકનગુનિયાનો કાળો પડછાયો પ્રસર્યો છે.જ્યારે દક્ષિણ-પશ્ચિમ ઝોનના સરખેજ, જોધપુર અને વેજલપુરમાં પણ ચિકનગુનિયાના દર્દી વધતા જાય છે. બોડકદેવ, થલતેજ અને જોધપુર વોર્ડમાં વહેંચાયેલા બોપલ-ઘુમાવાસીઓ પણ ચિકનગુનિયાના ઉપદ્રવથી પરેશાન છે.

આ સમાચારને શેર કરો