Placeholder canvas

રાજકોટ: ‘ખાડા’ની ફરિયાદ કરતા ભાજપ કોર્પોરેટરે મહિલા આગેવાનને માર્યો ઢોરમાર

રાજકોટમાં એક જ દિવસમાં 11 ઈંચ જેટલો વરસાદ પડી જવાને કારણે અઢારેય વોર્ડના નાના-મોટા દરેક રસ્તાઓ ઉપર મસમોટા ખાડા પડી ગયા છે જેને બૂરવા માટે લોકો દરરોજ મનપા કચેરી તેમજ વૉર્ડ ઓફિસના ધક્કા ખાઈ રહ્યા છે. જો અત્યારે સૌથી વધારે કોઈ રોડની સ્થિતિ ખરાબ હોય તો તે કોઠારિયા રોડની કહી શકાય. રોડ-રસ્તા પર પડેલા ખાડા બૂરાવવાની જવાબદારી સામાન્ય રીતે મહાપાલિકાના અધિકારીઓની હોય છે પરંતુ અધિકારીઓને ઢંઢોળવાનું કામ તે વોર્ડના કોર્પોરેટરનું હોય છે, ત્યારે કોઠારિયા રોડ પર પડી ગયેલા ખાડાની ફરિયાદ સહન નહીં કરી શકનારા ભાજપ કોર્પોરેટરે તે જ વિસ્તારમાં મહિલા આગેવાનને ઢોર માર મારતાં તેના રાજકીય દૃષ્ટિએ ઘેરા પ્રત્યાઘાતો પડી રહ્યા છે.

આ અંગેની જાણવા મળતી વિગતો પ્રમાણે ગઈકાલે વોર્ડ નં.18માં ભાજપની કારોબારી બેઠક મળી હતી જે પૂર્ણ થયા બાદ આ ઘટના બની હોવાનું જાણવા મળી રહ્યું છે. વોર્ડના મહિલા આગેવાન એવા પ્રકાશબા લખધીરસિંહ ગોહિલ (ઉ.વ.59, રહે.કોઠારિયા રોડ, બ્રહ્માણી હોલ પાસે)એ જણાવ્યું કે વોર્ડ નં.18ના કોર્પોરેટર સંજયસિંહ રાણાને આ પહેલાં રોડ-રસ્તા અંગે અનેકવાર ફરિયાદો કરી હતી પરંતુ તેઓ સાંભળી રહ્યા નહોતા. આ પછી ગઈકાલે કારોબારી મળી તેના એકાદ-બે કલાક પહેલાં મેં સંજયસિંહ રાણાના સાસુને એમ કહ્યું હતું કે ‘હવે તો તમારા જમાઈ કોર્પોરેટર છે તો તેમને ખાડા બૂરાવવાનું કહો ને’ આ પછી વોર્ડની કારોબારી બેઠકમાં અમે સૌ એકઠા થયા હતા ત્યારે સંજયસિંહ રાણાના સાસુએ એવી કાનભંભેરણી કરી હતી કે હું સંજયસિંહ રાણા વિરુદ્ધ ગમે તેમ બોલું છું.

આ સાંભળી સંજયસિંહ રાણા રોષે ભરાયા હતા પરંતુ કારોબારી બેઠક ચાલી રહી હોય તેઓ કશું બોલ્યા નહોતા. કારોબારી બેઠક પૂર્ણ થયા બાદ હું અને અન્ય બે મહિલાઓ ચાલીને ઘેર જઈ રહ્યા હતા ત્યારે રણુજા પુલ પાસે પહોંચ્યા ત્યારે જ સંજયસિંહ સહિતના ત્રણ શખ્સો ધસી આવ્યા હતા અને મારા સાથે માથાકૂટ શરૂ કરી હતી. પ્રકાશબા લખધીરસિંહ ગોહિલે વધુમાં જણાવ્યું કે બોલાબાલી બાદ સંજયસિંહે સ્કૂટર પર બેઠા બેઠા જ મને લાત મારીને પછાડી દીધી હતી. આ પછી તેમણે મારી છાતી ઉપર ઢીકાપાટુનો માર મારતાં હું બેભાન જેવી થઈ ગઈ હતી. મને માર મારીને સંજયસિંહ અને તેની સાથે રહેલા બે શખ્સો ફરાર થઈ ગયા હતા.આ પછી મેં 108ને ફોન કરીને બોલાવી અને તેના મારફતે મને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.

આ ઘટનાની જાણ થતાં જ વોર્ડના મહિલા કોર્પોરેટર ભારતીબેન પરસાણા સહિતના હોસ્પિટલે દોડી ગયા હતા. જો પક્ષના નેતા ફરિયાદ કરે તો તેને માર મળતો હોય ત્યારે લોકોએ તો ફરિયાદ કરવાનું જ માંડી વાળવાનું ને ? બીજી બાજુ સી.આર.પાટીલ આજે રાજકોટ આવે તેની કલાકો પહેલાં જ બની ગયેલા આ બનાવે પ્રદેશ કક્ષા સુધી પડઘા પાડ્યા હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. એક બાજુ ભાજપ દ્વારા ‘બેટી બચાવો, બેટી પઢાવો’ની ઝુંબેશ ચાલી રહી છે અને બીજી બાજુ એ જ પક્ષના કોર્પોરેટરની ‘સ્ત્રીને બોલતી અટકાવો, બોલે તો માર મારો’ની ઝુંબેશ શરૂ થઈ ગઈ હોવાના તાલથી કાર્યકરો અને નેતાઓ સ્તબ્ધ બની ગયા છે.

આ સમાચારને શેર કરો