રાજકોટ અમદાવાદ હાઇવે 1 કલાક રહ્યો બંધ, જાણો શું હતું કારણ

રાજકોટ અમદાવાદ હાઇવે ઉપર રાતના સમયે વાહનોની લાંબી કતારો લાગતાં ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. આ અંગે જાણવા મળતી વિગતોનુસાર ચોટીલા હાઇવે પર 1 કલાક સુધી ચક્કાજામ કરવામાં આવ્યો હતો. શાળા સંચાલકોના વિરોધમાં વાલીઓ અને ગામલોકો દ્વારા રસ્તા ઉપર વિરોધ પ્રદર્શન કરતા ટ્રાફિક જામ સર્જાયો હતો. રસ્તા પર વિરોધ પ્રદર્શન દરમિયાન ટાયર સળગાવતાં વાહનોની અવરજવર બંધ કરવામાં આવી હતી. તે સમય દરમિયાન રસ્તા પર વાહનોની લાંબી કતારો લાગી હતી. મહત્વપૂર્ણ છે કે રાતના સમયે હાઈવે પર ટ્રાફિક જામ સર્જાતા વાહનચાલકો અને મુસાફરો મુસિબતમાં મુકાયા હતા. જો કે થોડા સમય બાદ પરિસ્થિતિ થાળે પડતા વાહનવ્યવહાર શરૂ કરી દેવામાં આવ્યો હતો.

શું હતી ઘટના ?

ચોટીલામાં આજે કમલ વિધા સંકુલના સંચાલકએ વિદ્યાર્થીની છેડતી કર્યાની વાત પ્રકાશમાં આવતાં વાલીઓ અને લોકો રોષે ભરાયા હતા. આ બનાવના લીધે દલિત સમાજના લોકો દ્વારા અમદાવાદ રાજકોટ હાઇવે પર ચક્કાજામ કરી વિરોધ દર્શાવવામાં આવ્યો હતો. જો કે પોલીસને આ અંગે જાણ થતા હાઇવે પર પહોંચી અને હાઈવે પરથી લોકોના ટોળાને ખસેડવામાં આવ્યા હતા. ત્યારબાદ પોલીસ બંદોબસ્ત વચ્ચે હાઇવે પર વાહન વ્યવહાર રાબેતા મુજબ શરુ કરાવી દેવામાં આવ્યો હતો.

ચોટીલામાં થાનરોડ પર આવેલ કમલ વિધામંદિર સંકુલમા વાલીઓ દ્વારા હોબાળો કરવામાં આવ્યો હતો. વાલીઓ દ્વારા સંચાલક પર વિદ્યાર્થીનીઓની છેડતીનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ વાત વાયુવેગે ફેલાતા શાળા ખાતે વાલીઓ પહોંચ્યા હતા. જો કે શિક્ષણ વિભાગના અધિકારીઓને આવતાં વિલંબ થતા અકળાયેલા લોકોએ શાળામાં પણ તોડફોડ કરી હતી. વાલીઓના વિરોધમાં ગામ લોકો પણ જોડાયા. અત્રે ઉલ્લેખનીય છે કે કમલ વિદ્યા મંદિરની શાળા અને હોસ્ટેલ બંને છે. આ હોસ્ટેલમાં 120 જેટલી છોકરીઓ અભ્યાસર્થે રહે છે. તેવામાં આ ઘટના બનતા અન્ય વાલીઓ પોતાની દીકરીઓને હોસ્ટેલમાંથી પણ લઈ જવા પહોંચી ગયા હતા.

આ સમાચારને શેર કરો