રાજકોટ: મસ્તી મસ્તીમાં તરૂણની બેઠકનાં ભાગે મિત્રએ નળી ભરાવીને કમ્પ્રેશર ચાલુ કરી દીધુ..!!
રાજકોટ: મસ્તી કયારેક ભારે પડી જતી હોય છે ત્યારે એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ઢેબર રોડ પર કારખાનામાં કામ કરતા તરૂણને મિત્રએ મસ્તી-મસ્તીમાં બેઠકનાં ભાગે નળી ભરાવી કમ્પ્રેશર ચાલુ કરી દેતા તેનું મોઢુ ખુલી ગયું હતું અને તેને અત્રેની સિવિલમાં ખસેડાયો છે. આ બનાવ અંગેની જાણ થતાં ભકિતનગર પોલીસ મથકનો સ્ટાફ સિવિલ હોસ્પિટલે દોડી ગયો હતો. આ અંગે પોલીસે તરૂણની પૂછપરછ આદરી છે.
બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર, મૂળ યુપીનાં વતની અને હાલ કોઠારીયા સોલવન્ટની ફાટક પાસે રહેતો 15 વર્ષનો તરૂણ ઢેબર રોડ પર દિશા પાવડર કોટીંગ નામના કારખાનામાં મજુરી કામ કરે છે. ગઇકાલે સાંજના સમયે કારખાને હતો ત્યારે તેનો મિત્ર પ્રિન્સ કુમાર યમરાજ બીન (ઉ.વ.19) નામનો યુવાન પણ તેની સાથે નોકરી કરે છે.
ગઇકાલે મસ્તી કરતાં-કરતાં પ્રિન્સકુમારે તરૂણના બેઠકનાં ભાગે કમ્પ્રેશરની નળી ભરાવીને કમ્પ્રેશર ચાલુ કરી દેતા મોઢુ ખુલી ગયું હતું અને દેકારો કર્યા બાદ કમ્પ્રેશર બંધ કરી દીધુ હતું અને બેભાન હાલતમાં તરૂણને મિત્ર પ્રિન્સકુમારે અત્રેની સિવિલ હોસ્પિટલ ખસેડયો હતો. આ મામલે હોસ્પિટલ ચોકીનાં સ્ટાફે એન્ટ્રી નોંધી ભકિતનગર પોલીસને જાણ કરવામાં આવતાં પોલીસે કાર્યવાહી આદરી છે.