પરિણીતાની ફરિયાદ: રાજકોટમાં સાસરિયા પક્ષના લોકોએ અગરબત્તીના ડામ આપ્યા
રાજકોટમાં મહિલા પર અત્યાચારના બે બનાવ: પ્રથમ બનાવમાં પરિણીતાને વળગાડ હોવાનું કહીને અગરબત્તીના ડામ આપ્યા, બીજામાં દારૂ પીવા માટે પૈસા ન આપતા પતિએ પત્નીને ફટકારી.
રાજકોટ: આપણે ત્યાં સ્ત્રીને પુરુષની સમોવડી ગણવામાં આવે છે, છતાં દિવસેને દિવસે સ્ત્રીઓ પર અત્યાચારના બનાવોમાં સતત વધી રહયા છે. રાજકોટમાં સ્ત્રીઓ પર અત્યાચારની બે ઘટના રાજકોટ શહેરના બે જુદા જુદા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. રાજકોટ શહેરના મહિલા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ મુજબ સાસરિયાઓએ પુત્રવધૂને વળગાડ છે એમ કહી અગરબત્તીના ડામ આપ્યા હોવાની તેમજ શારીરિક-માનસિક ત્રાસ અને દહેજ ધારા હેઠળની ફરિયાદ નોંધાઇ છે. જ્યારે બીજી ફરિયાદ રાજકોટ શહેરના માલવિયાનગર પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. ફરિયાદ અંતર્ગત પત્નીએ દારૂ પીવાના પૈસા નહીં આપતા પતિએ ગાળો ભાંડી મારપીટ કરી હોવાની ઘટના સામે આવી છે.
રાજકોટ શહેરના મહિલા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ મુજબ ફરિયાદી ભાગ્યશ્રી સોઢાએ પોતાના પતિ તેમજ સાસરિયાઓ વિરુદ્ધ શારીરિક-માનસિક ત્રાસ, જાનથી મારી નાખવાની ધમકી તેમજ દહેજ ધારા હેઠળની ફરિયાદ નોંધાવી છે. ફરિયાદીએ જણાવ્યું છે કે 19 નવેમ્બર, 2018ના રોજ તેના લગ્ન વીરભદ્રસિંહ સોઢા સાથે થયા હતા. લગ્નના પાંચેક દિવસ બાદ જ મારા સાસુએ મારી પાસે રહેલા દાગીના ઉતરાવી લીધા હત. સાથે જ તારા બાપે કરિયાવરમાં કઈ જ આપ્યું નથી તેવા મેંણા ટોંણા પણ માર્યા હતા. નણંદ પણ પહેરામણી બાબતે મેંણા ટોંણા મારતી હતી. ભૂતકાળમાં મારા માસીજીએ મને વળગાડ છે તેમ કહી મને અગરબત્તીના ડામ પણ દીધા હતા.
શહેરના માલવિયાનગર પોલીસ સ્ટેશનમાં પાયલબેન નામના ફરિયાદીએ પોતાના પતિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. જે અંતર્ગત તેઓ પોતાના બે સંતાનો સાથે પોતાના ઘરમાં ઊંઘી રહ્યા હતા ત્યારે સવારના સાડા છ વાગ્યાની આસપાસ તેના પતિએ તેની પાસે આવીને દારૂ પીવાના પૈસા માગ્યા હતા. પત્નીએ દારૂ પીવાના પૈસા આપવાની ના પાડતા પતિ વિશાલ ગાળો આપીને મારપીટ કરવા લાગ્યો હતો. જે બાદમાં આડોશ-પાડોશના વ્યક્તિઓ એકઠા થઈને પીડિત મહિલાને છોડાવી હતી. સમગ્ર મામલે હાલ પોલીસ દ્વારા પીડિતાના પતિ વિશાલને બોલાવી પૂછપરછ શરૂ કરવામાં આવી છે.