ખેડૂત ચિંતામાં: જામનગર અને લાલપુરમાં કમોસમી વરસાદી ઝાપટાં, રવિપાકમાં નુકસાની
રાજકોટ : વેસ્ટર્ન ડિસ્ટબન્સ સર્જાવવાની સાથે અપરએર સાઇક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થતા તારીખ 11 અને 12મી તારીખે કમોસમી વરસાદી ઝાપટા પડવાની હવામાન વિભાગે આગાહી કરી હતી. આજે વહેલી સવારે જામનગર અને લાલપુરમાં વરસાદી ઝાપટાં પડ્યાં હતા. જેના કારણે શહેરનાં રસ્તા અને ખેતરોમાં પાણી ભરાઇ ગયા છે. હાલ રવિપાક કાપણીનો સમય નજીક છે ત્યારે કમોસમી વરસાદને કારણે ખેડૂતો પણ ચિંતામાં મુકાયા છે.
દક્ષિણ પશ્ચિમ રાજસ્થાન અને તેની આસપાસનાં વિસ્તારો પર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાવાની સાથે અપરએર સાઈક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ ફરીથી સક્રિય થઈ છે. વધુમાં ઉત્તર પૂર્વના પવનની અસર હેઠળ રાજ્યમાં બે દિવસ 11 અને 12 માર્ચે વરસાદી ઝાપટાં પડવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી હતી.
જામનગર અને લાલપુર વિસ્તારની આસપાસ ખેડૂતોની ચણા અને જીરાના પાકની ખેતરમાં છે. આ રવિપાકને લણવાનો સમય પણ નજીક આવી ગયો છે. ત્યારે આવા કમોસમી વરસાદને કારણે ખેડૂતોમાં ચિંતા વધી ગઇ છે.
હવામાને આગાહી કરતા કહ્યું હતું કે, આ સમય દરમિયાન રાતનાં સમયે લઘુતમ તાપમાનમાં વધુ ફેરફાર નહીં થાય પરંતુ દિવસના મહત્તમ તાપમાનમાં ઘટાડો થવાની શક્યતા છે.