Placeholder canvas

ભારત-પાકિસ્તાન મેચ દરમિયાન વરસાદની સંભાવના

14, 15 અને 16 ઓક્ટોબરના રોજ રાજ્યમાં કેટલીક જગ્યાએ વાદળછાયું વાતાવરણ અને અમુક જગ્યાએ હળવા વરસાદની હવામાન વિભાગે આગાહી

ક્રિકેટપ્રેમીઓ જે મેચની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે એ ભારત-પાકિસ્તાન મેચ દરમિયાન વરસાદની સંભાવના છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી 14 અને 15 ઓક્ટોબરે અમદાવાદ જિલ્લામાં વાદળછાયા વાતાવરણની સાથે હળવો વરસાદ પડશે.હવામાન વિભાગનાં ડાયરેક્ટર મોહંતી મનોરમાએ જણાવ્યું હતું કે 14 અને 15 ઓક્ટોબરે અમદાવાદ જિલ્લામાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે હળવા વરસાદની સંભાવના છે તથા ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે.

દક્ષિણ અમદાવાદમાં હળવા વરસાદની સંભાવના છે. જ્યારે ઉત્તર અમદાવાદમાં વરસાદની શક્યતા લગભગ નહિવત્ છે.આગામી 5 દિવસ ગુજરાતમાં વાતાવરણ સૂકું રહેવાની સંભાવના છે, પરંતુ કેટલીક જગ્યાએ સામાન્ય વરસાદની સંભાવના છે. 14, 15 અને 16 ઓક્ટોબરના રોજ રાજ્યમાં કેટલીક જગ્યાએ વાદળછાયું વાતાવરણ અને અમુક જગ્યાએ હળવા વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે.

ટીમ ઈન્ડિયાનું અમદાવાદમાં આગમન

વર્લ્ડ કપ 2023ની હાઇ વોલ્ટેજ ભારત-પાકિસ્તાન વચ્ચેની મેચ 14 ઓક્ટોબરના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાવાની છે. પાકિસ્તાનની ક્રિકેટ ટીમ બુધવારે અમદાવાદ આવી પહોંચી હતી, તો ગુરુવારે ભારતીય ક્રિકેટ ટીમ અમદાવાદ એરપોર્ટ ઉપર આવી પહોંચી છે.

ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્મા, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, ઈશાન કિશન, હાર્દિક પંડ્યા, રવીન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, મોહમદ સિરાજ, બૂમરાહ સહિતના ખેલાડીઓ એરપોર્ટ પર આવી પહોંચ્યા હતા. બાદમાં બસમાં બેસી ટીમ ITC નર્મદા હોટલ પહોંચી છે. ફેવરિટ પ્લેયર સાથે ફોટો અને ઓટોગ્રાફ લેવા ક્રિકેટરસિકોએ પડાપડી કરી હતી. .

બીજી તરફ, ITC નર્મદા હોટલની બહાર ઇન્ડિયન ક્રિકેટ ટીમને જોવા લોકો ટોળે વળ્યા હતા. લોકો ટીમની એક ઝલક જોવા માટે હોટલની આજુબાજુ ઊભા રહી ગયા હતા. હોટલમાં પૂરતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. હોટલના આગળના દરવાજેથી પોલીસ દ્વારા તમામ લોકોને દૂર કરવામાં આવ્યા હતા.

આ સમાચારને શેર કરો