Placeholder canvas

વાંકાનેરના આંણદપર નજીક રાજકોટના ટ્રાન્સપોર્ટરની કારને આંતરી જીવલેણ હુમલો

વાંકાનેર : વાંકાનેર નજીક બેલા પથ્થરની ખાણમાં ટ્રકના ભાડા કરતા રાજકોટના ટ્રાન્સપોર્ટરના ભાણેજને ડમ્પર ચાલક સાથે થયેલા ઝઘડાનો ખાર રાખી હળવદના સુંદરીભવાની ગામના ડમ્પર ચાલક સહિતના છ શખ્સોએ વાંકાનેરના આંણદપર નજીક કારને આંતરી ટ્રાન્સપોર્ટર ઉપર જીવલેણ હુમલો કરતા વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.

આ બનાવ અંગે મળેલી માહિતી મુજબ રાજકોટના કોઠારીયા રોડ ઉપર મેઘાણીનગરમાં રહેતા ટ્રાન્સપોર્ટર લાલાભાઇ રામભાઇ વરૂએ વાંકાનેર પોલીસ મથકમાં આરોપી મેહુલ સરવૈયા, દિનેશ સરવૈયા રહે.બન્ને સુંદરીભવાની તા.હળવદ અને બન્ને સાથે આવેલા અજાણ્યા ચાર શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, ગત તા.10ના રોજ તેમનો ભાણેજ પ્રીત દિલીપભાઈ આહીર ચક્રધારી સ્ટોનનું ટ્રેકટર લઈને વાંકાનેરના પાડધારા ગયો હતો ત્યારે ટ્રેકટર સાઈડમાં રાખવા બાબતે આરોપી ડમ્પર ચાલક મેહુલ સરવૈયા સાથે ઝઘડો થતા ફરિયાદી ટ્રાન્સપોર્ટર લાલાભાઇ રામભાઇ વરૂ પણ બનાવ સ્થળે પહોંચી ગયા હતા અને ખાણ માલિક સાથે વાતચીત કરી કોઈ પોલીસ ફરિયાદ કરી ન હતી.

બાદમાં સાંજ સુધી ટ્રાન્સપોર્ટર લાલાભાઇ રામભાઇ વરૂ ચક્રધારી ખાણ પાસે રોકાઈને સાંજે સ્વીફ્ટ કાર લઈને ઘેર જવા નીકળ્યા હતા ત્યારે આણંદપર પાડધરા રોડ ઉપર આદેશ પટેલ બેલાની ખાણ પાસે પહોંચતા જ એક અજાણ્યા શખ્સે પોતાનું બાઈક કાર આડું નાખી પથ્થરના ઘા કરતા થોડીવારમાં જ આરોપી મેહુલ સરવૈયા, દિનેશ સરવૈયા અને અન્ય ચાર અજાણ્યા શખ્સો આડેધડ પથ્થર મારો કરવા લાગ્યા હતા જેથી લાલાભાઇ નીચે ઉતરતા જ લોખંડના પાઇપથી આરોપીઓએ હુમલો કરતા લાલાભાઈને માથામાં તેમજ હાથમાં ગંભીર ઈજાઓ પહોંચવાની સાથે કારમાં પણ વ્યાપક નુકશાન થયું હતું. જો કે થોડીવારમાં અન્ય માણસો બનાવ સ્થળે આવી જતા આરોપીઓ જાનથી મારી નાખવાની ધમકી આપી નાસી ગયા હતા. હાલ આ બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

આ સમાચારને શેર કરો