Placeholder canvas

રેલવે ટ્રેક પર બકરાંની લાશોનો ઢગલો: ગાંધીનગર રેલ્વે ટ્રેક પર 70 બકરાં પર માલગાડી ફરી વળી…

ગાંધીનગરના મેદરા નર્મદા કેનાલ નજીકથી પસાર થતા રેલવે ટ્રેક ઉપર હિંમતનગરથી અમદાવાદ તરફ જતી માલગાડીની અડફેટે 70 જેટલા બકરાં મોતને ભેટતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી જવા પામી છે. આ બનાવના પગલે હિંમતનગર રેલવે પોલીસ દ્વારા ત્રણ પશુપાલકોની અટકાયત કરી વધુ તપાસનો દોર શરૂ કરાયો છે. ઉલ્લેખનીય છે કે રેલવે ટ્રેક ઉપર પશુપાલકો બકરાં ચરાવતા હતા એ દરમિયાન દુર્ઘટના સર્જાઈ હતી.

ગાંધીનગરના મેદરા નર્મદા કેનાલ પાસેના રેલવે ટ્રેક ઉપર માલગાડીની અડફેટે 70 જેટલાં બકરાંનાં મોત થયાંની ઘટના પ્રકાશમાં આવી છે. ત્રણ પશુપાલકો બપોરના સમયે બકરાંને રેલવે ટ્રેક ઉપર ચરાવવા માટે લઈને નીકળ્યા હતા. એ અરસામાં હિંમતનગરથી અમદાવાદ તરફ જતી માલગાડી ધસમસતી આવી પહોંચી હતી. અને એક પછી એક 70 જેટલાં બકરાંને અડફેટે લઈને સડસડાટ પસાર થઈ હતી.

આ બનાવના પગલે સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી જવા પામી હતી. જ્યારે ઘટનાની જાણ થતાં હિંમતનગર રેલવે પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી. રેલવેનાના નિયમ મુજબ રેલવે ટ્રેક ઉપર બકરાં લઈને નીકળેલા પશુપાલકોને અટકાયતમાં લઈ દંડાત્મક કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

આ સમાચારને શેર કરો