Placeholder canvas

પ્રજા રામ ભરોસે : કોર્ટે પૂછ્યું-બ્રિજ તૂટે તો જવાબદાર કોણ? તો સરકારે કહ્યું- આવી કોઈ પોલિસી જ નથી.!!

મોરબી દુર્ઘટનાની સુઓમોટોની સુનાવણીમાં સરકારનું સોગંદનામું

મોરબીમાં ઝૂલતો પુલ તૂટી પડવાની ઘટના મામલે થયેલી સુઓમોટોની સુનાવણીમાં સરકારે એવો ઘટસ્ફોટ કર્યો હતો કે, શહેરી વિસ્તારમાં જો કોઈ પુલ તૂટે તો તે દુર્ઘટના માટે જવાબદારી કોની રહેશે? તે અંગે કોઈ સ્પષ્ટ નીતિ અમલમાં નથી, પરંતુ સરકાર તેની નીતિ ટૂંક સમયમાં અમલમાં લાવશે. આ સાથે સરકારે તમામ બ્રિજની વિગતો દર્શાવતું પત્રક રજૂ કર્યું હતું, જેમાં બ્રિજના રિપેરિંગનો ખર્ચ અને જવાબદારીની વિગતો રજૂ કરી છે. આ પહેલાં કોર્ટે સરકાર પાસે રાજ્યના બ્રિજની સ્થિતિ અને તેના માટે સરકારની નીતિ રજૂ કરવા અગાઉ આદેશ કર્યો હતો.

મોરબી દુર્ઘટનાના પીડિતોએ વળતરની રકમ ઓછી હોવા મામલે પણ અરજી કરેલી છે, જેમાં રજૂઆત કરાઈ છે કે, સરકારે 10 લાખ વળતર ચૂકવવા જાહેરાત કરી છે, પરંતુ વળતરની રકમ ઘણી ઓછી છે. દિલ્હીમાં વળતરની રકમ 1 કરોડ હોય છે. ગુજરાત સરકાર નજીવું વળતર ચૂકવે છે. અરજીની સુનાવણી દરમિયાન કોર્ટ બહાર પીડિત પરિવારો વહેલી સવારથી આવી ગયા હતા. પીડિતોએ રજૂઆત કરી હતી કે, ન્યાયતંત્ર અમને યોગ્ય ન્યાય અપાવશે તેવી આશા છે.

સુનાવણીમાં કોર્ટે સરકારને સવાલો કરતા પૂછ્યું હતું કે, શહેરી વિસ્તારમાં બ્રિજ તૂટે તો જવાબદારી કોની રહેશે? સરકારે કહ્યું કે, હાલ આ મામલે કોઈ નીતિ સ્પષ્ટ નથી. કોર્ટે બીજો સવાલ કર્યો કે, ગ્રામ્ય વિસ્તારોમાં કે જિલ્લા કક્ષાએ તમામ બ્રિજની મરામત સહિતની જવાબદારી કોની છે? સરકારે જવાબ આપ્યો કે, રોડ એન્ડ બિલ્ડિંગ ડિપાર્ટમેન્ટની માર્ગદર્શિકા લાગુ પડતી નથી. સરકારે સોગંદનામામાં સ્પષ્ટ જણાવ્યું કે, મ્યુનિ.ની હદમાં આવા કોઈ બનાવ બને તો તેની જવાબદારી નક્કી કરતી કોઈ નીતિ અમારી પાસે નથી.

આ સમાચારને શેર કરો