રાજકોટ: આરોપીઓને સુવિધા આપનાર PSI અને ત્રણ કોન્સ્ટેબલ સસ્પેન્ડ
રાજકોટ ડિસ્ટ્રીક્ટ કોર્ટમાં પોલીસ અને વકીલો વચ્ચે કાર અથડાવા જેવી બાબતે ઘર્ષણ સર્જાયું હતું…
રાજકોટ : રાજકોટ ડિસ્ટ્રીક્ટ કોર્ટમાં પોલીસ અને વકીલો વચ્ચે કાર અથડાવા જેવી બાબતે ઘર્ષણ સર્જાયું હતું. સમગ્ર મામલો ડિસ્ટ્રીક્ટ જજ સુધી પહોંચતા તેમને પોલીસ કમિશનરને સમગ્ર મામલે જાણ કરી હતી. જે બાદ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે ડીસીપી મનોહરસિંહ જાડેજાને ઘટનાસ્થળે પહોંચી કાયદો અને વ્યવસ્થા જાળવવાની સૂચના આપી હતી. તો સાથે જ સમગ્ર મામલાની તપાસ એસીપી કક્ષાના અધિકારીને આપી હતી. આ સમગ્ર મામલે તપાસમાં પી.એસ.આઇ બી બી રાણા, કોન્સ્ટેબલ ભુપેન્દ્ર વાઘેલા, કોન્સ્ટેબલ મયુરસિંહ પરમાર અને યશપાલસિંહ ઝાલાને સસ્પેન્ડ કરવામાં આવ્યા.
રાજકોટ પોલીસના બે પોલીસ કોન્સ્ટેબલ યશપાલસિંહ, જયપાલસિંહ દ્વારા લૂંટના ચાર આરોપીઓને કોર્ટમાં રજૂ કરવા ખાનગી કારમાં લઈ આવ્યા હતા. ત્યારે કોર્ટ કંપાઉન્ડમાં પાર્ક કરવામાં આવેલી એડવોકેટ તુષાર ગોકાણીની કાર સાથે પોલીસ કોન્સ્ટેબલની કાર અથડાઈ હતી. જેના કારણે વકીલો અને અન્ય પોલીસ કોન્સ્ટેબલ આમને સામને આવી ગયા હતા.
કાર અથડાતા બંને પક્ષો વચ્ચે સામાન્ય બોલાચાલીએ બાદમાં ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. એક સમયે તો પોલીસ કોન્સ્ટેબલ અને એડવોકેટે એકબીજાના કોલર પણ પકડી લીધા હતા. સમગ્ર મામલે એડવોકેટ દ્વારા ડિસ્ટ્રીક્ટ જજને અરજી પણ કરવામાં આવી હતી. વકીલોનો આક્ષેપ છે કે પોલીસ દ્વારા આરોપીઓને સવલતો આપવામાં આવે છે. પોલીસે આરોપીઓને કોર્ટમાં સરકારી ગાડીમાં રજુ કરવાના હોય છે. જોકે તેની જગ્યાએ પોલીસ આરોપીઓને ખાનગી કારમાં બેસાડીને કોર્ટમાં લાવતી હોય છે. ત્યારે સમગ્ર મામલે ડીસીપી મનોહરસિંહ જાડેજાએ મધ્યસ્થી કરતા મામલો થાળે પડ્યો હતો.