અંતે… પ્લાઝમા થેરેપી થશે શરૂ: રાજકોટની 3 ખાનગી બ્લડ બેંક સહિત સૌરાષ્ટ્રની 7 બ્લડ બેંકને તાત્કાલીક પરમીશન
મુખ્યમંત્રીના હોમટાઉન એવા રાજકોટ સહિત સૌરાષ્ટ્રની એક પણ ખાનગી વોલેન્ટરી બ્લડ બેંકોને પ્લાઝમા કલેકટ કરવાની અત્યાર સુધી મંજુરી આપવામાં આવી ન હતી. આજે ગુજરાત રાજ્યના ગુજરાત સ્ટેટ કાઉન્સિલ ફોર બ્લડ ટ્રાન્સફ્શન દ્વારા પરિપત્ર કરીને રાજકોટની ત્રણ સહીત રાજયની 36 વોલેન્ટરી બ્લડ બેંકોને પ્લાઝમા કલેકટ કરવાની અને કોરોના પોઝીટીવ એવા ગંભીર દર્દીઓને પ્લાઝમા આપવાની મંજુરી આપી હોવાનું જાણવા મળેલું છે.
તો બીજી તરફ જીલ્લા વહીવટી તંત્રએ રાજકોટ શહેર અને જિલ્લામાં ગંભીર અવસ્થામાં કોરોના પોઝીટીવ દર્દીઓનું કે જેને પ્લાઝમા થેરાપી આપવી પડે તેમ છે તેવા દર્દીઓનું લીસ્ટ બનાવવા માટે ખાનગી તેમજ સરકારી હોસ્પીટલના તબીબોને સૂચના આપી હોવાનું અધિક નિવાસી કલેકટર પરીમલ પંડયાએ જણાવ્યું હતું. આ સંદર્ભે આજે બપોરના ખાનગી બ્લડ બેંકના સંચાલકોને રાજકોટ જીલ્લા કલેકટરે કલેકટર કચેરીમાં તેડાવ્યા હતા.
રાજકોટ શહેરની સૌરાષ્ટ્ર વોલેન્ટરી બ્લડ બેંક, લાઈફ વોલેન્ટરી બ્લડ બેંક અને રેડક્રોસ વોલેન્ટરી બ્લડ બેંકને પ્લાઝમાં કલેકટ કરવા માટે મંજુરી આપી દીધી છે. આ મંજુરી મળતા આ ત્રણેય વોલેન્ટરી બ્લડ બેંકો દ્વારા કોરોના પોઝીટીવ દર્દીઓ કે જે સ્વસ્થ થયા છે અને પોતાનું પ્લાઝમા ડોનેટ કરવા તૈયાર છે તેવા દર્દીઓનું પ્લાઝમા કલેકટ કચેરીને ગંભીર સ્થિતિ ધરાવતા કોરોના પોઝીટીવ દર્દીઓની હાલત સુધારવા આવા દર્દીઓને જે તે હોસ્પીટલમાં પ્લાઝમા પહોંચતું કરવાની કામગીરી શરુ કરવામાં આવશે તેવું જાણવા મળેલું છે.
દરમ્યાન રાજકોટ શહેર ઉપરાંત ગુજરાત રાજયની 36 જેટલી ખાનગી વોલેન્ટરી બ્લડ બેંકોને પ્લાઝમા થેરાપીથી કોરોના પોઝીટીવ દર્દીઓને ઝડપથી સાજા કરવા માટે પ્લાઝમા કલેકટ કરવાની જે મંજુરી આપવામાં આવી છે તેના પગલે હવે ડેથ રેશીયો ઝડપથી કંટ્રોલમાં આવે તેવું સમજાઈ રહ્યું છે.
ભારતમાં દિલ્હી સહિત ઘણા રાજ્યો પ્લાઝમા થેરાપીનો ઉપયોગ કરીને મૃત્યુદર ઘટાડ્યો છે તેમ હવે રાજકોટ સહિત સૌરાષ્ટ્રની સાત અને કુલ ગુજરાતની 36 બ્લડ બેંકને મંજુરી મળી ગઈ છે