પોતાના જન્મદિવસે ૧૧ હજાર વૃક્ષોનું વાવેતર, ઉછેરનો સંકલ્પ કરતા ડૉ. ભરતભાઈ બોઘરા
આટકોટ ખાતે આગામી બે મહિનામાં જ ‘ભરત વન’ નું કરાશે નિર્માણ
વૃક્ષોને ઓક્સિજનનું કારખાનું કહેવાયું છે. વૃક્ષો આપણને અનેક રીતે ઉપયોગી છે. વૃક્ષોનાં પર્ણો પ્રકાશસંશ્લેષણની ક્રિયા દ્વારા હવાને શુદ્ધ કરે છે. વૃક્ષો જાતજાતનાં ફળો આપે છે. વૃક્ષોનાં મૂળિયાં જમીનનું ધોવાણ અટકાવે છે. વૃક્ષો રણને આગળ વધતું અટકાવે છે. કેટલાંક વૃક્ષોના મૂળિયાં અને પર્ણો ઔષધિ તરીકે વપરાય છે. કેટલાંક વૃક્ષોનાં પાન પડિયા-પતરાળાં બનાવવાના કામમાં આવે છે. વૃક્ષો વાદળાંને ઠંડા પાડીને વરસાદ લાવવામાં મદદરૂપ થાય છે. વૃક્ષોની શીતળ છાયામાં પશુઓ, ખેડૂતો અને વટેમાર્ગુઓ વિશ્રામ કરે છે. વળી વૃક્ષો ધરતીની શોભા છે. વૃક્ષો વિનાની ધરતી કેશ વિહોણા શીશ જેવી ઉજ્જડ લાગે છે.
50 વર્ષોમાં એક ઝાડ કુલ 17.50 લાખ ઓકિસજનનું ઉત્પાદન કરે છે, 35 રૂપિયાનાં પ્રદુષણનું નિયંત્રણ, 3 કિલો કાર્બનડાયોક્સાઈડનું શોષણ, 41 લાખ રૂપિયાનાં પાણીનું રીસાયકલીંગ, 3% તાપમાનમાં ઘટાડો કરે છે. એક વયસ્ક વ્યક્તિ દ્વારા જીવનભર ફેલાયેલા પ્રદુષણને 300 ઝાડ મળીને શોષી શકે છે. વધતા જતા શહેરીકરણનાં કારણે આપણે જોઈએ છીએ કે દિવસે દિવસે વૃક્ષોની સંખ્યા ઓછી થતી જાય છે. જંગલો કપાતા જાય છે જેનાથી માત્ર માણસોને જ નહીં પરંતુ વન્ય જીવોને પણ નુકસાન થઈ રહ્યું છે ત્યારે જલ્દીથી વિકાસ પામતા જંગલો વાવવાની ખુબ જ જરૂરીયાત છે, પરંતુ પ્રશ્ન એ છે કે શું આવું થઈ શકે ? હા થઈ શકે. ‘મિયાવાકી પદ્ધતિ’ દ્વારા ઉગાડવામાં આવતા વૃક્ષો ઝડપી વિકાસ પામે છે.
જસદણના પૂર્વ ધારાસભ્ય અને પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ડો.ભરત બોઘરાનો તા.22 જૂન અને બુધવારે જન્મદિન છે. તાજેતરમાં જ તેમણે સૌરાષ્ટ્રનાં અનેક લોકોને આશીર્વાદરૂપી મલ્ટીસ્પેશ્યાલીટી હોસ્પિટલની ભવ્ય ભેટ આપી છે. હવે તેઓ પોતાના જન્મદિન નિમિતે 11 હજાર વૃક્ષોનું મિયાવાકી જંગલ બનાવવાનો સંકલ્પ કર્યો છે. ‘મિયાવાકી’ એ વૃક્ષો વાવવાની જાપાનીઝ પદ્ધતિ છે. જેમાં જુદી જુદી જાતના વૃક્ષો એકસાથે નજીક નજીક વાવવામાં આવે છે. પહેલાનાં સમયમાં જેમ સંયુક્ત કુંટુબ હતા એવી જ રીતે જુદા જુદા પ્રકારનાં વૃક્ષો એકસાથે, એકબીજાનો સહારો બનીને ઉગે છે અને વિકાસ પામે છે. તેમાં બધા ઝાડ એકબીજાને આશ્રિત હોય છે. આ પ્રકારે જંગલનું નિર્માણ કરવાથી સામાન્ય વૃક્ષ કરતા આ વૃક્ષો લગભગ ત્રણગણી ઝડપે વિકાસ પામે છે.
મિયાવાકી પદ્ધતિ એ જાપાનનાં એક બોટનીસ્ટ ‘અકીરા મિયાવાકી’ દ્વારા આપવામાં આવી છે. આ પ્રકારે વાવેલ વૃક્ષો પર્યાવરણને અનેક રીતે ઉપયોગી છે. આ પ્રકારનાં જંગલમાં 100થી પણ વધારે સ્પીસીઝનાં વૃક્ષો એકસાથે વાવી શકાય છે. સદભાવના વૃદ્ધાશ્રમ દ્વારા અત્યાર સુધી 60 જેટલાં મિયાવાકી જંગલોનું નિર્માણ થઈ ચુક્યું છે અને હવે જસદણના પૂર્વ ધારાસભ્ય અને પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ડો.ભરત બોઘરાનાં જન્મદિવસે 11 હજાર વૃક્ષોનું મિયાવાકી જંગલ બનાવવાનો સંકલ્પ કરવામાં આવ્યો છે. વન નિર્માણનાં પ્રતિક સ્વરૂપે ડૉ ભરતભાઈ બોઘરા પોતાના જન્મદિવસે જ 5 વૃક્ષોનું વાવેતર પીંજરા સાથે પ્રતિકાત્મકરૂપે કરશે અને આગામી બે મહિનામાં જ સમગ્ર ભરત વનનું નિર્માણ આટકોટ ખાતે જ કરવામાં આવશે. આ વન નિર્માણ તેમજ તેની જાળવણી કરવાની સંપૂર્ણ જવાબદારી સદભાવના વૃદ્ધાશ્રમ દ્વારા લેવામાં આવશે.